July 1, 2025
ઈન્ટરનેશનલ

અમેરિકામાં ફરી Trump Magic: આ કારણોથી ટ્રમ્પ જીત્યા, કમલા હેરિસ હાર્યાં

Spread the love

વોશિંગ્ટનઃ અમેરિકામાં ફરી ડોનાલ્ડ ટ્રમ્પ 47મા રાષ્ટ્રપતિ તરીકે જનતાએ સ્વીકાર્યા છે, જ્યારે તેમને ભારે બહુમતીથી જીતાડવામાં આવ્યા છે. કમલા હેરિસ સામે ડોનાલ્ડ ટ્રમ્પની જીતને લઈને ભારત સહિત એશિયાઈ દેશોની પ્રતિક્રિયાઓ આવી છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પને શુભેચ્છાઓ પાઠવી જૂની મિત્રતાને યાદ કરાવી. જોકે, આ વખતની અમેરિકાની ચૂંટણીમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ કઈ રીતે ચાલ્યો એનો સૌને સવાલ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતની ચૂંટણીમાં પોતાના પ્રતિસ્પર્ધી કમલા હેરિસને સરળતાથી હરાવ્યા. જોકે, કમલા હેરિસે 200 સીટના મેજિક આંકડાને પાર કર્યો છે, જ્યારે ટ્રમ્પ 300ની નજીક છે. ટ્રમ્પની જીત અને ભારતીય મૂળના કમલા હેરિસની હાર માટે એક કરતા અનેક કારણો ચર્ચામાં છે. મજબૂત નેતૃત્વની છબિ, મુદ્દાઓની મજબૂત પક્કડ અને અલગ અલગ સામાજિક અને આર્થિક મુદ્દાઓને લઈ નેરેટિવ સેટ કરવા સંબંધિત છે. હકીકતમાં મૂળ કારણ શું હતા એની વાત જણાવીએ.
કમલા હેરિસને મળ્યો ઓછો સમય
ડેમોક્રેટ્સના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે કમલા હેરિસને છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવ્યા. જો બાઈડેનની ઉંમરને લઈ સવાલો કરવામાં આવ્યા ત્યારે તેમનું ઉમેદવારપદ કમલા હેરિસને સોંપવામાં આવ્યું, પરંતુ ચૂંટણીની તૈયારીઓ માટે કમલા હેરિસને પર્યાપ્ત સમય મળ્યો નહીં. આ વિલંબને કારણે સ્વિંગ વોટર ટ્રમ્પના પક્ષમાં ગયા અને હેરિસને ફટકો પડ્યો.
એલન મસ્કના સમર્થને ભાગ ભજવ્યો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અગ્રણી એક્સ (અગાઉ ટવિટર)ના માલિક એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને જાહેરમાં સમર્થન આપ્યું અને રેલી અને સોશિયલ મીડિયા પર તેમના સમર્થનમાં માહોલ બનાવ્યો. એલન મસ્કના સમર્થને ટ્રમ્પ માટે સૌથી મોટું એક્સ ફેક્ટર સાબિત થયું. ચૂંટણીના પ્રચારમાં પણ મસ્કના સમર્થનની લોકોમાં મોટી અસર પડી.
હુમલા પછી ડોનાલ્ડ ટ્રમ્પ લાઈમલાઈટમાં
ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતની ચૂંટણીમાં પોતે એક રાષ્ટ્રવાદી નેતા તરીકે પોતાની છબિ ઊભી કરવામાં સફળ રહ્યા. અમેરિકાના હિતોની સુરક્ષાનો મુદ્દો બનાવીને વૈશ્વિક મંચ પર અમેરિકાની ક્રેડિટ ફરી સ્થાપિત કરનારા નેતા તરીકે ઊભરી આવ્યા. વૈશ્વિક મંચ પર મજબૂત છબિ ઊભી કરવાની સાથે તેમના પર થયેલા હુમલાને કારણે લોકોની સહાનુભૂતિમાં વધારો થયો હતો.
અપ્રવાસી વિરોધી નીતિ પણ કારણભૂત
અપ્રવાસીઓ પર કડક કાર્યવાહી અને ગેરકાયદે પ્રવાસીઓને દેશ બહાર કાઢવાના વચન સ્થાનિક મતદારોએ સમર્થન આપ્યું. આ જ મુદ્દાને લાઈમલાઈટમાં લાવીને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જનતાના ટેક્સના પૈસા ગેરકાયદે પ્રવાસીઓ પર ખર્ચ કરવામાં નહીં આવે. તેમણે અમેરિકન નાગરિકતાના કાયદાને પણ મજબૂત બનાવવાની ફેવર કરી હતી, પરિણામે તેમને મોટી સંખ્યામાં સમર્થન મળ્યું.
ટ્રમ્પને શ્વેત મહિલાઓનું મળ્યું સમર્થન
ટ્રમ્પના પ્રતિસ્પર્ધી કમલા હેરિસે મહિલાઓના મુદ્દાઓને પણ ઊઠાવ્યા હતા. ખાસ કરીને ગર્ભપાતના અધિકારોને ચૂંટણીના અભિયાનમાં ઊઠાવ્યા હતા. આમ છતાં ટ્રમ્પને શ્વેત મહિલાઓનું સમર્થન વધારે મળ્યું હતું. ટ્રમ્પ મહિલાઓને એ વાત સમજાવવામાં સફળ રહ્યા કે ગર્ભપાતનો એકલો મુદ્દો નથી, પરંતુ તેને સંસ્કૃતિનો હિસ્સો ગણાવ્યો, પરિણામે આ ફેક્ટરે તેમની જીતમાં મહત્ત્વનું યોગદાન મળ્યું.
આર્થિક સુધારા પર જોર આપવાની વાત
અમેરિકામાં આર્થિક પરિસ્થિતિ અને મોંઘવારીનો મુદ્દો ડોનાલ્ડ ટ્ર્મ્પે ઊઠાવ્યો. પૂર્વ બાઈડેનની સરકારના શાસનમાં આર્થિક સ્થિતિ બગાડવા અને મોંઘવારીમાં વધારાને કારણે જનતામાં પણ અસંતોષ હતો. આ જ બાબતને ચૂંટણીનો મુદ્દો બનાવીને ડોનાલ્ડ ટ્રમ્પે આર્થિક સુધારા પર ભાર મૂક્યો, જ્યારે ચૂંટણી પછીના એક્ઝિટ પોલમાં મતદારોએ આ મુદ્દે કમલા હેરિસને સમર્થન આપ્યું નહોતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!