Election: લોકસભા ચૂંટણીના પરિણામોનો ભાજપ યા મહાવિકાસ આઘાડીને ફાયદો થશે, વોટિંગ શેરની પેટર્ન જાણો
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય અખાડો તૈયાર થઈ ગયો છે, જેમાં લોકસભાની ચૂંટણીની માફક મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પર સૌનું ધ્યાન છે. બોલીવુડ અને આર્થિક રાજધાની મુંબઈ સહિત મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ (એકનાથ શિંદે, અજિત પવાર) સામે મહાવિકાસ આઘાડી (કોંગ્રેસના નેતૃત્વ હેઠળ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર એનસીપી) ટક્કર આપવા તૈયાર છે.
લોકસભાની ચૂંટણીની અસર થશે કે નહીં?
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની લોકસભાની ચૂંટણી વોટિંગ શેર પ્રમાણે અસર પડે તો નવાઈ નહીં. આંકડા કહે છે કે લોકસભાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સીટ ઓછી આવી હતી, પરંતુ વોટ શેરમાં બહુ ઘટાડો થયો નહોતો. બીજી બાજુ લોકસભાની ચૂંટણીની દૃષ્ટિએ એમવીએમાં સામેલ પક્ષોની અપેક્ષા તો વધારે છે. ચૂંટણીના પરિણામોમાં ખરાબ પ્રદર્શન પછી પણ મહાયુતિમાં સૌથી મોટા પક્ષ ભાજપને નબળું આંકી શકાય નહીં. 2014 પછી મહારાષ્ટ્રમાં ભાજપનો વોટ હિસ્સો વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં અન્ય રાજકીય પક્ષો કરતા વધારે રહ્યો છે.
23મી નવેમ્બરે ફાઈનલ દિવસ
મહારાષ્ટ્રમાં છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 2024માં નવ અને 2019માં 23 સીટ મળી હતી, જ્યારે તેની તુલનામાં કોંગ્રેસને 13 અને એક, એનસીપીને એક અને ચાર, શરદ પવારને 2024માં આઠ, શિવસેના (યુબીટી)ને નવ સીટ મળી હતી. મહારાષ્ટ્રમાં નોમિનેશન ડેટ પૂરી થઈ છે, ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં તમામ મોટા નેતાઓ ચૂંટણી પ્રચાર માટે રેલીઓની સાથે ચૂંટણી પ્રચારની જાહેર સભાઓ ગજવશે. 288 સીટ માટે એક જ તબક્કામાં 20મી નવેમ્બરે ચૂંટણી યોજવામાં આવશે, જ્યારે 23 નવેમ્બરના પરિણામો આવશે.
BJPના વોટિંગ શેરમાં 9 ટકાનો વધારો થયો હતો
લોકસભાની ચૂંટણીમાં ભાજપના વોટિંગ શેરની વાત કરીએ તો 1984માં 10.1 ટકા હતો, જે 2004 સુધી નિરંતર વધતો જતો. 1989 દસ ટકાથી વધીને 23.7 ટકા થયો હતો, જે 1991માં 20.2 ટકા, 1996માં 21.8 ટકા, 1998માં 22.5 ટકા, 1999માં 21.2 ટકા, 2004માં 22.6 ટકા હતો, પરંતુ 2009માં અચાનક ઘટીને 18.2 ટકા હતો. 2014માં નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી વોટિંગ શેરમાં નવ ટકાનો વધારો થયો હતો. 2014માં 27.6 ટકાથી વધીને 2019માં 27.8 ટકા થયો હતો, જે 2024માં 26.4 ટકા થયો છે.
સીટ ઘટી પણ વોટ શેરમાં ઘટાડો થયો નહીં
આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં 28 સીટ પર લડ્યા પછી ભાજપને ફક્ત નવ સીટ પર જીત મળી હતી, પરંતુ 26.4 ટકા હિસ્સો પ્રાપ્ત કર્યો હતો, જે બાકી પક્ષો કરતા વધારે છે. 2019ની લોકસભાની ચૂંટણીની તુલનામાં એવરેજ સારું પ્રદર્શન નથી, પરંતુ રાજ્યના દિગ્ગજ નેતાઓ એ વાતને લઈ ખુશી વ્યક્ત કરે છે કે સીટ ઓછી હોવા છતાં વોટ શેરમાં વધુ ઘટાડો થયો નથી. શિંદેની સેનાને 13 ટકા (સાત સીટ જીત્યું) અને અજિત પવારનો 3.6 ટકા હિસ્સા સાથે એક સીટ જીત્યા હતા.
લોકસભામાં કોંગ્રેસ 17 સીટમાંથી 13 સીટ જીતી
લોકસભાની ચૂંટણીમાં બીજા નંબરના મોટા પક્ષ કોંગ્રેસે 17 સીટ પર ચૂંટણી લડ્યું હતું, જેમાંથી 13 સીટ જીત્યું હતું. ભાજપ કરતા વધુ સીટ જીત્યું હોવા છતાં વોટિંગ શેર ઓછો રહ્યો. કોંગ્રેસના હિસ્સામાં 16.9 ટકા, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 21 સીટ પર ચૂંટણી લડીને નવ સીટ જીત્યું. ઠાકરે જૂથને 16.7 ટકા અને શરદ પવાર 10 સીટ જીતીને 10.3 ટકા વોટિંગ શેર મળ્યો. વેલ, 2019ની તુલના કરીએ તો પ્રદર્શન ખરાબ રહ્યું હતું, પરંતુ મહારાષ્ટ્રના નેતાઓ હાલમાં તો વોટિંગ શેરમાં વધારાને લઈ જીત માટે આશાવાદી વલણ ધરાવે છે.