આજે ફાઈનલ ડેઃ મહાયુતિએ 9 અને મહા વિકાસ આઘાડીએ હજુ 21 ઉમેદવાર નથી ઉતાર્યા મેદાનમાં…
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 20મી નવેમ્બરે યોજવામાં આવશે, ત્યારે આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. આજનો છેલ્લો દિવસ બાકી છે ત્યારે અત્યાર સુધીમાં મહાયુતિને નવ અને મહાવિકાસ આઘાડીને 21 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા નથી, જેથી આજે વધુ 30 ઉમેદવાર જાહેર કરવામાં આવશે અને ઉમેદવારી પત્ર ભરવા માટે દોડાદોડી થશે. રાજ્યમાં 288 વિધાનસભાની બેઠકની ચૂંટણી માટે અત્યાર સુધીમાં તમામ ઉમેદવાર માટે જાહેરાત કરવામાં આવી નથી. મહાયુતિમાં ભારતીય જનતા પાર્ટી, એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના અને અજિત પવારના જૂથની એનસીપી સિવાય અમુક સ્થાનિક પક્ષોનો સમાવેશ થાય છે.
મહાયુતિએ 279 ઉમેદવાર જાહેર કર્યાં
મહાવિકાસ આઘાડીમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની જૂથની શિવસેના અને શરદ પવાર જૂથની એનસીપી સિવાય સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટીનો સમાવેશ થાય છે. મહાયુતિના સહયોગીમાં ભાજપ, શિવસેનાએ સોમવારે 25 અને 13 ઉમેદવાર જાહેર કરીને ત્રીજી યાદી બહાર પાડી હતી. ભાજપે સાથીપક્ષોને ચાર બેઠક ફાળવણીની જાહેરાત કરી હતી.
મહાયુતિના અત્યાર સુધીમાં 288માંથી 279 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 146 ભાજપ, 78 શિવસેના અને 49 અજિત પવારના તથા અન્ય છ સહયોગી પાર્ટી લડશે. રામદાસ આઠવલેની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઈ) કલિનાથી ઉતારવામાં આવશે. આમ મહાયુતિને હવે નવ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.
મહાવિકાસ આઘાડીએ 265 ઉમેદવારને આપી ટિકિટ
મહા વિકાસ આઘાડીમાં શરદ પવાર જૂથે સોમવારે છ ઉમેદવારને ટિકિટ આપીને ચોથી યાદી જાહેર કરી હતી, જ્યારે કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ યાદી જાહેર કર્યા પછી કૂલ 102 અને 84 ઉમેદવારની જાહેરાત કરી છે. મહાવિકાસ આઘાડી અત્યાર સુધીમાં 265 ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે હજુ 21 સીટ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. શરદ પવાર જૂથની નાગપુરની કાટોલ બેઠક પરથી પોતાના ઉમેદવાર બદલ્યા છે, જ્યાંથી હવે પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખના દીકરા સલીલ દેશમુખને ટિકિટ આપવામાં આવી છે.