Assembly Election: કોંગ્રેસ-ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ જાહેર કરી બીજી યાદી
મુંબઈ માટે ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસે કયા ઉમેદવારને આપી ટિકિટ, જાણો?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે હવે કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી છે, જેમાં 23 નામ છે. આ અગાઉ 48 ઉમેદવારની યાદી જાહેર કરી હતી. કૂલ મળીને અત્યાર સુધીમાં કોંગ્રેસ મહારાષ્ટ્રમાં 71 સીટ પર પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે. રાજ્યની 288 વિધાનસભાની સીટમાં કોંગ્રેસ પાર્ટી મહાવિકાસ આઘાડી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જોકે, એની વચ્ચે 85-85 સીટ પર લડવાની જાહેરાત કર્યા પછી બાકી 33 સીટ પર પણ લડવા માટે ખેંચતાણ ચાલી રહી છે. એના પછી શુક્રવારે 90-90 સીટ પર લડવાની યોજના જાહેર કરવામાં આવી હતી, જ્યારે બાકી 18 સીટ અન્ય પક્ષોને આપવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે આજે ઉદ્ધવ ઠાકરે સાથે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
કોંગ્રેસે મુંબઈ ત્રણ ઉમેદવાર સહિત 23ને આપી ટિકિટ
મુંબઈમાં ત્રણ સીટ પર ઉમેદવાર સહિત 23 ઉમેદવારની નવી યાદી બહાર પાડી છે. કાંદિવલી, ચારકોપ અને સાયન કોલિવાડાનો સમાવેશ થાય છે. કાંદિવલી ઈસ્ટથી કાલુ બઢેલિયાને ઉમેદવાર જાહેર કર્યા છે. ચારકોપથી યશવંત જયપ્રકાશ સિંહને ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે સાયન કોલિવાડાથી ગણેશ યાદવને ટિકિટ આપી છે. અન્ય ટિકિટમાં વસઈથી વિજય ગોવિંદ પાટીલ,
નાગપુરથી સાઉથથી ગિરિશ પાંડવને ટિકિટ આપી છે. આ અગાઉ 48 ઉમેદવારની યાદીમાં નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ (કરાડ), નીતિન રાઉત (નાગપુર નોર્થ)નો સમાવેશ કર્યો હતો. બીજી યાદીમાં જળગાંવથી સ્વાતિ વાકેકર, સાંવનેરથી અનુજા સુનીલ કેદાર, ભંડારાથી પૂજા ઠક્કર, રાલેગાંવથી બસંત પૂર્કે, કામથીથી સુરેશ ભવાર, અર્જુનીથી દિલીપ બનસોડને ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી છે.
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ 15 ઉમેદવાર જાહેર
વિધાનસભાની ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ 15 ઉમેદવારને જાહેર કર્યા છે, જેમાં મુંબઈમાં શિવડીથી અજય ચૌધરી, ભાયખલાથી મનોજ જામસુતકર, વડાલાથી શ્રદ્ધા શ્રીધર, કલ્યાણ પૂર્વથી ધનંજય બોડારે, શ્રીગોંદાથી અનુરાધા નાગાવડે, કણકવલીથી સંદેશ ભાસ્કર પારકર, ધુળે શહેરથી અનિલ ગોટે અને ચોપડાથી રાજુ તડવીને ટિકિટ આપી છે. જળગાંવથી જયશ્રી સુનીલ મહાજન, બુલઢાણાથી જયશ્રી શેળકે, દિગ્રસથી પવન શ્યામલાલ જયસ્વાલ, હિંગોલીથી રુપાલી પાટીલ અને પરતુરથી આસારામ બોરાડેને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ અત્યાર સુધીમાં 80 ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે ચૂંટણી યોજવામાં આવશે, જ્યારે 23મી નવેમ્બરના રિઝલ્ટ આવશે.