હમ સાથ સાથ હૈઃ MVA એક થઈ લડશે ચૂંટણી, પણ પહેલી યાદીમાં પડશે ખબર
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના મહા વિકાસ આઘાડી (MVA) ગઠબંધને સાથે રહીને લોકસભા ચૂંટણી લડ્યા પછી સીટ શેરિંગ મુદ્દે ખેંચતાણને કારણે ઉમેદવારને ટિકિટ આપવાનું વિલંબમાં પડી રહ્યું હતું. આમ છતાં આ વખતે મહા વિકાસ આઘાડી (એમવીએ)માં ઉદ્ધવ ઠાકરેની શિવસેના નહીં, પરંતુ કોંગ્રેસ મોટા ભાઈ બનીને સૌથી વધુ સીટ પર લડશે.
મહારાષ્ટ્રમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા મુદ્દે ભાજપ-શિવસેના-એનસીપીમાં અવરોધ ઊભો થવાની માફક એમવીએમાં પણ ખેંચતાણ હતી, પરંતુ એનો ઉકેલ આવ્યા પછી આજે પોત પોતાની પાર્ટીના ઉમેદવારની યાદી જાહેર કરશે.
100થી વધુ સીટ પર કોંગ્રેસ લડશે
કોંગ્રેસ ડ્રાઈવિંગ સીટ પર રહીને આખરે 100થી વધુ સીટ પર લડશે, જ્યારે એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદ પવાર) પર પણ બીજા નંબરે સૌથી વધુ સીટ પર લડે તો નવાઈ નહીં. હજુ સુધી યાદી બહાર આવી નથી, પરંતુ કદાચ બંને એક સરખી સીટ અથવા ઉદ્ધવ ઠાકરે 90 અને શરદ પવારની એનસીપી પણ 90 સીટ પર લડી શકે છે. જો અને તોના દાવાઓની વચ્ચે પણ ઉમેદવાર જાહેર કર્યા પછી પણ ફાઈનલ તો પરિણામો પછી ખબર પડશે કે કોણ બળિયો હતું.
મુંબઈની સીટ પર વધુ ખેંચતાણ
આર્થિક અને રાજ્યની રાજધાની મુંબઈ માટે સૌથી વધુ ખેંચતાણ છે, જેમાં વર્સોવા, ભાયખલા, કુર્લા, ઘાટકોપર વેસ્ટનો સમાવેશ થાય છે. મહા વિકાસ આઘાડીમાં વર્સોવા સીટ પર કોંગ્રેસ અને શિવસેનાનો દાવો છે, જ્યારે ભાયખલા કોંગ્રેસ Vs શિવસેના, કુર્લામાં શિવસેના Vs એનસીપી (શરદ પવાર) તેમ જ ઘાટકોપર વેસ્ટમાં ત્રણેય પક્ષની દાવેદારી છે, જેમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપી દાવો કરી રહી છે.
મુંબઈ સિવાય 10 સીટ પર બબાલ
દક્ષિણ નાગપુર (શિવસેના વિરુદ્ધ કોંગ્રેસ), રામટેક (શિવસેના Vs કોંગ્રેસ), વરોરા (એનસીપી Vs કોંગ્રેસ), ચંદ્રપુર (એનસીપી Vs કોંગ્રેસ), કામઠી (કોંગ્રેસ Vs શિવસેના), ભંડારા (એનસીપી Vs શિવસેના), અમરાવતી (કોંગ્રેસ Vs શિવસેના), દરિયાપુર (કોંગ્રેસ Vs શિવસેના)નો સમાવેશ થાય છે. એરંડોલ એનસીપી Vs શિવસેના, નાશિક પશ્ચિમ શિવસેના Vs કોંગ્રેસ છે.