July 1, 2025
ગુજરાત

જૂનાગઢમાં મોતિયાના ઓપરેશન માટે આવેલા દર્દીને બનાવાયા ભાજપના સભ્ય…

Spread the love

ગુજરાતના રાજકોટ જિલ્લાની એક હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે આવેલા 350 દર્દીની ઊંઘ ત્યારે હરામ થઈ ગઈ જ્યારે જાગ્યા ત્યારે મોબાઈલ નંબર અને ઓટીપી પૂછવામાં આવ્યા હતા. આ ઓટીપીથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સભ્ય બનાવવાનું કાવતરું બહાર આવ્યું છે. સૌથી શરમની વાત એ છે કે ઓપરેશન માટે આવેલા દર્દીઓને સભ્ય બનાવવાની વાત બહાર આવી છે. એના અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી ભાજપે પણ સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.
રાજકોટના જૂનાગઢ ખાતે કમલેશ ઠુમ્મર નામની વ્યક્તિ આંખોના ઓપરેશન માટે રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં ગયા હતા. એ વખતે હોસ્પિટલમાં 350થી વધુ દર્દી હતા. સભ્ય બનાવવાના અભિયાન અન્વયે આ કારસ્તાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે દર્દી કમલેશ ઠુમ્મરે જણાવ્યું કે રાતે અમે જ્યારે સૂતા હતા ત્યારે એક વ્યક્તિ અમારી પાસે આવ્યો અને મોબાઈલ નંબર અને ઓટીપી પૂછી રહ્યો હતો. એ વખતે મને પણ ઓટીપી પૂછવામાં આવ્યો તો મેં પણ ઓટીપી આપ્યો તો એના પછી મને મેસેજ આવ્યો હતો કે તમે ભાજપના સભ્ય બની ગયા. એ વખતે મેં સામેની વ્યક્તિને પૂછ્યું કે શું તમે મને ભાજપના સભ્ય બનાવો છો? તો તેમને મને કહ્યું હતું કે એના વિના કોઈનો ઉદ્ધાર નથી. એના પછી મેં વીડિયો બનાવ્યો અને વાઈરલ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયો અંગે એક્સ પર લોકોએ આકરી પ્રતિક્રિયાઓ આપી હતી, જેમાં અમુક યૂઝરે ભાજપની કામગીરી પર ગંભીર સવાલો કર્યા હતા તેમ જ પાર્ટીને ટકાવી રાખવા માટે આ પ્રકારની નીતિ અખત્યાર કરવા આકરી ટીકા કરી હતી.


આ અંગે હોસ્પિટલના ટ્રસ્ટે સ્પષ્ટતા કરી હતી કે આ વ્યક્તિ સાથે અમને કોઈ નિષ્બત નથી. આ કોઈ વ્યક્તિ દર્દીના સંબંધી હોવા જોઈએ. આ બનાવ અંગે ભાજપના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન જડફિયાએ નિવેદન આપ્યું છે.
ગોરધન જડફિયાએ કહ્યું કે અમે કોઈને પણ આ પ્રકારે ભાજપના સભ્ય બનાવવા અંગે જણાવ્યું નથી કે પછી ભાજપના કાર્યાલયમાંથી પણ આ પ્રકારે કોઈ મેસેજ મોકલવામાં આવતા નથી. આમ છતાં પણ જો કોઈ આ પ્રકારે સભ્ય બનાવતા હોય તો તેની તપાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!