વિધાનસભા ચૂંટણીઃ 99 ઉમેદવાર સાથે ભાજપે જાહેર કરી પહેલી યાદી, જાણો મહત્ત્વની વાતો
મુંબઈઃ ભારતીય ચૂંટણી પંચે 20મી નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કર્યાના પાંચ દિવસ પછી ભારતીય જનતા પાર્ટીએ 99 ઉમેદવાર સાથેની પહેલી યાદી જાહેર કરી. ભાજપના નેતૃત્વ હેઠળ એકનાથ શિંદેની શિવસેના, અજિત પવારની એનસીપી સાથે ચૂંટણી લડવાની જાહેરાત કર્યા પછી સીટ શેરિંગ મુદ્દે મતભેદ વચ્ચે શનિવારે ભાજપે પાર્ટીના 99 ઉમેદવાર સાથેની પહેલી યાદી જાહેર કરી, જેમાં સીટિંગ એમએલએ સાથે 13 મહિલાને ટિકિટ આપવવામાં આવી છે.
99માંથી કેટલા ગુજરાતી ઉમેદવારને મળી ટિકિટ
પહેલી યાદીમાં 99 ઉમેદવારમાંથી મુંબઈની 14 બેઠકનો સમાવેશ થાય છે. પહેલી યાદીમાં ગુજરાતી ઉમેદવારમાં મિહિર કોટેચા, યોગેશ સાગર, મંગળ પ્રભાત લોઢાનું નામ છે. મુલુંડમાંથી મિહિર કોટેચા, ચારકોપમાંથી યોગેશ સાગર, મલબાર હિલમાંથી મંગલ પ્રભાત લોઢા, કાંદિવલી પૂર્વ અતુલ ભાતખળકર, ઘાટકોપરમાંથી રામ કદમ, દહીસરમાંથી મનીષા ચૌધરીનો સમાવેશ થાય છે.
કલ્યાણ પૂર્વમાં સુલભા કાલુ ગાયકવાડ, ડોંબિવલીમાં રવિન્દ્ર ચોહાણ, થાણેમાં સંજય મુકુંદ કેળકર, ઐરોલીમાં ગણેશ નાઈક, બેલાપુરમાં મંદા વિજય મ્હાત્રેનું નામ જાહેર કર્યું છે.
દિગ્ગજ નેતાઓને પણ મેદાનમાં ઉતાર્યા
પહેલી યાદીમાં ભાજપે દિગ્ગજ નેતાઓને રિપિટ કરવાની ફરજ પડી છે. ભાજપે પહેલી યાદીમાં પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળે, કેબિનેટ પ્રધાન ચંદ્રકાંત પાટીલ, મંગલ પ્રભાત લોઢા, રાધાકૃષ્ણ વિખે પાટીલ, ગિરીશ મહાજન, સુનીલ મુનગંટીવરની સાથે વિધાનસભાના સ્પીકર મંગલ પ્રભાત લોઢા અને મુંબઈ ભાજપના પ્રમુખ આશીષ શેલારને પણ ટિકિટ આપી છે. 99 ઉમેદવારમાં 13 મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે, જ્યારે મુંબઈની 36 સીટમાંથી 14 સીટ પર ઉમેદવાર જાહેર કર્યાં છે.
કલ્યાણમાં ગણપત ગાયકવાડની ટિકિટ કાપી
ટિકિટ ફાળવણીમાં ભાજપે સૌથી મોટો જુગાર કલ્યાણની સીટ પર રમ્યો છે. પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ કરનારા ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડની ટિકિટ પર કાતર ચલાવાઈ છે, પરંતુ એની સામે અહીંની સીટ પર સુલભા કાલુ ગાયકવાડને ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે. સુલભા ગણપત ગાયકવાડની પત્ની છે. ફેબ્રુઆરીમાં ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે શિંદેની શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ પર ફાયરિંગ કર્યું હતું.
પહેલી યાદીમાં 13 મહિલાને લાગી લોટરી
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણની દીકરી શ્રીજયા ચવ્હાણને ભોકરની સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવી છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવનારા અશોક ચવ્હાણ 2019માં ભોકરની સીટ પરથી જીત્યા હતા. અહીંની સીટ પરથી પત્ની અનીતા ચવ્હાણ પણ વિધાનસભ્ય રહી ચૂક્યા છે. શ્રીજયા ચવ્હાણ સાથે શ્વેતા મહાલે, મેઘના બોર્ડિકર, અનુરાધા ચવ્હાણ, સીમાતાઈ હિરે, મંદા મ્હાત્રે, મનીષા ચૌધરી (દહીસર), વિદ્યા ઠાકુર (ગોરેગાંવ), માધુરી મિસાળ, મોનિકા રાજલે, પ્રતિભા પચપુળે, નમિતા મુંદડા. આ વખતની ચૂંટણીમાં ભાજપ 150થી વધુ બેઠક પર ચૂંટણી લડી શકે છે, જેમાં અગાઉ 105 સીટ જીતી હતી.