બોલીવુડના બે મોટા માથાની શત્રુતાનો અંત લાવનાર એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા
મુંબઈ: મહારાષ્ટ્રના એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મળી રહેલી માહિતી પ્રમાણે શનિવારના દશેરાની મોડી રાત્રે મુંબઈના બાંદ્રા ઈસ્ટ ખાતે આવેલી તેમની ઓફીસ પર કરવામાં આવેલી ફાયરિંગમાં બાબા સિદ્દીકીને ત્રણ ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોએ તેમનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના રાજકારણમાં બાબા સિદ્દીકી એક મોટું માથું ગણાતા હતા, પરંતુ એની સાથે સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે પણ તેમના ગાઢ સંબંધો હતા. એટલું જ નહીં પણ સલમાન ખાન અને શાહરૂખ ખાનના ચાહકોમાં બાબા આજે પણ લોકપ્રિય હતા, કારણ કે એક સમયમાં ખાસ મિત્ર ગણાતા બને સુપર સ્ટાર વચ્ચેની શત્રુતાનો અંત બાબા સિદ્દીકીએ લવ્યો હતો. એક સમયે સારા મિત્રો ગણાતા સલમાન ખાન અને શાહરૂખ ખાન કેટલાક કારણોસર કટ્ટર દુશ્મન બની ગયા હતા.
જોકે, તેમની લડાઈ કેવી રીતે શરૂ થઈ તે બરાબર જાણી શકાયું નથી, પરંતુ આ વિવાદને કારણે ચાહકોએ બંનેને સાથે જોવાની આશા લગભગ છોડી દીધી હતી. બંને એકબીજાની સામે આવવાનું પણ ટાળતા હતા. આખરે 2013માં આ દુશ્મનીનો અંત આવ્યો, જ્યારે બંનેએ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં એકબીજાને ગળે લગાવીને વર્ષો જૂની દુશ્મનીનો અંત લાવ્યો હતો. બોલિવૂડ માટે આ કોઈ ચમત્કારથી ઓછું ન હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટી બોલીવૂડના ઈતિહાસમાં નોંધાયેલી છે, જ્યાં સલમાન અને શાહરૂખ પોતાની દુશ્મની ભૂલીને ફરી મિત્ર બન્યા હતા. તેમની ઈફ્તાર પાર્ટી ખૂબ જ લોકપ્રિય રહી હતી, જેમાં સલમાન અને શાહરૂખ સિવાય બીજા ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. બાબા સિદ્દીકીની આ પહેલ તેમની રાજકીય ઓળખનો જ એક ભાગ ન હતી પરંતુ તેમના વ્યક્તિત્વનું પણ એક મહત્વપૂર્ણ પાસું હતું. હાલમાં તેની હત્યાથી રાજ્ય સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે.