Election Special: મહારાષ્ટ્રમાં મહાયુતિ-એમવીએમાં ‘સીટ શેરિંગ’ના પેચ ફસાયા, આજે યાદી જાહેર થઈ શકે
મુંબઈઃ લોકસભાની ચૂંટણી પૂરી થયા પછીથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની રાહ જોવામાં આવી રહી છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી એનડીએ ગઠબંધનમાં નવું જોમ આવ્યું છે, જ્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિ ગઠબંધનમાં ખેંચાખેંચી ચાલુ થઈ છે.
મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની મહાયુતિ સાથે રહીને ચૂંટણી લડવાની અજિત પવારે જાહેરાત કરી છે. મહાયુતિના સાથી એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે ગઠબંધનના 235 ઉમેદવારની યાદી તૈયાર કરવામાં આવી છે, જ્યારે વિપક્ષી મહા વિકાસ આઘાડીની સીટ શેરિંગ ફોર્મ્યુલા તૈયાર છે.
બંને ગઠબંધનમાં 230થી વધુ સીટની વહેંચણી
288 વિધાનસભાની બેઠક માટે એનડીએ (મહાયુતિ)એ 235 અને મહાવિકાસ આઘાડી (એમવીએ)એ 233 સીટ અંગે ચર્ચા કરી છે, પરંતુ બાકી સીટ ખેંચાખેંચી છે. આજે બંને ગઠબંધન પહેલી યાદીની જાહેરાત કરી શકે છે. મહાવિકાસ આઘાડીમાં પંચાવન અને મહાયુતિમાં ત્રેપન બેઠક ખેંચાખેંચી ચાલી રહી છે, જેનો ઉકેલ ટૂંક સમયમાં આવી શકે છે.
દિવાળી પછી તારીખ જાહેર થઈ શકે
હરિયાણા-જમ્મુ કાશ્મીર પછી હવે દેશ આખાની નજર મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પર છે. 288 વિધાનસભાની બેઠકવાળી મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખ દિવાળી પછી થવાની અપેક્ષા છે. હાલમાં બંને ગઠબંધનમાં સીટની પસંદગી અને વહેંચણી વચ્ચે અંતિમ રુપ આપવાની કવાતય ચાલી રહી છે, જ્યારે સીટ શેરિંગ મુદ્દે ગઠબંધનના પક્ષોમાં વિવાદ પણ ચાલી રહ્યો છે, પરંતુ એની હવા બહાર આવી નથી.
26 નવેમ્બરે કાર્યકાળ પૂરો થશે
મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર, 2024ના પૂરો થશે. ચૂંટણી પંચ દશેરા પછી ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. મહારાષ્ટ્રની સાથે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની પણ ઈલેક્શન કમિશન ડેટ જાહેર કરશે. આ અગાઉ મહારાષ્ટ્રમાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી. ઈલેક્શન કમિશનના 12 અધિકારીની ટીમે 27 અને 28 સપ્ટેમ્બરના મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાત લીધી હતી.