July 1, 2025
ટોપ ન્યુઝમહારાષ્ટ્ર

આજે PM Modi મુંબઈમાંઃ મેટ્રો-થ્રીનું કરશે ઉદ્ધાટન, અંડરગ્રાઉન્ડ મેટ્રોમાં કરી શકે ટ્રાવેલ

Spread the love

મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કર્યા પૂર્વે લગભગ એક મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત મુલાકાતે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના વાશિમ, થાણે અને મુંબઈની અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. વાશીમમાં સવારે પહેલા પોહરાદેવી ખાતે જગદંબા માતાના મંદિરમાં દર્શન કરશે. તેઓ વાશિમમાં સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજની સમાધિઓ પર પણ શ્રદ્ધાંજલિ આપશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદઘાટન કરશે, જે બંજારા સમુદાયની સમૃદ્ધ વિરાસતની ઉજવણી કરશે. બપોરે લગભગ 23,300 કરોડ રૂપિયાના કૃષિ અને પશુપાલન ક્ષેત્ર સાથે સંબંધિત અનેક પહેલનો શુભારંભ કરશે. ઉપરાંત, આજે સાંજે થાણેમાં 32,800 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યાર બાદ આજે સાંજે 6 વાગ્યાની આસપાસ બીકેસી મેટ્રો સ્ટેશનથી તેઓ બીકેસીથી આરે જેવીએલઆર (ફેઝ એક) મુંબઈ સુધી દોડનારી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ બીકેસી અને સાંતાક્રુઝ સ્ટેશનો વચ્ચે મેટ્રોમાં મુસાફરી પણ કરશે.
પીએમ કિસાન સન્માન નિધિના હપ્તાનું વિતરણ કરશે
PM Modi (Image source PM Modi Social Media)
વાશિમમાં પ્રધાનમંત્રી ખેડૂતોને સશક્ત બનાવવાની યોજના અન્વયે આશરે 9.4 કરોડ ખેડૂતોને આશરે 20,000 કરોડ રૂપિયાનાં મૂલ્યનાં પીએમ-કિસાન સન્માન નિધિનાં 18માં હપ્તાનું વિતરણ કરશે. 18મી હપ્તાની ફાળવણી સાથે પીએમ-કિસાન અંતર્ગત ખેડૂતોને કુલ 3.45 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ રીલિઝ કરવામાં આવશે. ઉપરાંત પ્રધાનમંત્રી આશરે રૂ. 2,000 કરોડનાં વિતરણની નમો શેતકરી મહાસન્માન નિધિ યોજનાનાં 5માં હપ્તાનો પણ શુભારંભ કરશે.
કૃષિ માળખાગત ફંડ હેઠળના વિવિધ પ્રોજેક્ટ દેશને કરશે અર્પણ
પ્રધાનમંત્રી કૃષિ માળખાગત ફંડ (એઆઇએફ) હેઠળ 1,920 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં 7,500થી વધારે પ્રોજેક્ટ દેશને અર્પણ કરશે. મુખ્ય પ્રોજેક્ટ્સમાં કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ, પ્રાઇમરી પ્રોસેસિંગ યુનિટ્સ, વેરહાઉસ, સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ્સ, કોલ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ, પોસ્ટ-હાર્વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી આશરે 1,300 કરોડ રૂપિયાનું સંયુક્ત ટર્નઓવર ધરાવતી 9,200 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓ) પણ દેશને અર્પણ કરશે. ઉપરાંત પ્રધાનમંત્રી પશુઓ માટે યુનિફાઇડ જિનોમિક ચિપ અને સ્વદેશી જાતિ-સોર્ટેડ સીમેન ટેકનોલોજીનો પણ શુભારંભ કરશે.
બીકેસીથી આરે જેવીએલઆર સેક્શન-3 ઉદ્ઘાટન
થાણેમાં શહેરી પરિવહનને પ્રોત્સાહન આપવા માટે વડા પ્રધાન મોદી મુખ્ય મેટ્રો અને રોડ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આશરે 14,120 કરોડ રૂપિયાનાં મૂલ્યનાં બીકેસીથી આરે જેવીએલઆર સેક્શનની મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાન્ડ મેટ્રો ટ્રેન ત્રણનું ઉદઘાટન કરશે. આ સેક્શનમાં 10 સ્ટેશન હશે, જેમાંથી 9 અંડરગ્રાઉન્ડ હશે. મુંબઈ મેટ્રો લાઈન – 3 એક મુખ્ય જાહેર પરિવહન પ્રોજેક્ટ છે જે મુંબઈ શહેર અને ઉપનગરો વચ્ચે અવરજવરમાં સુધારો કરશે. જોકે, સંપૂર્ણપણે કાર્યરત થયા પછી આ મેટ્રો લાઈનમાં રોજના આશરે 12 લાખ પ્રવાસી મુસાફરી કરી શકે એવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.
ઈન્ટિગ્રલ રિંગ મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ
પીએમ મોદી આશરે 12,200 કરોડ રૂપિયાનાં ખર્ચે નિર્માણ પામનારા થાણે ઇન્ટિગ્રલ રિંગ મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પ્રોજેક્ટની કુલ લંબાઈ 29 કિલોમીટર છે જેમાં 20 એલિવેટેડ અને 2 ભૂગર્ભ સ્ટેશનો છે. આ મહત્ત્વાકાંક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ મહારાષ્ટ્રના મુખ્ય ઔદ્યોગિક અને વાણિજ્યિક કેન્દ્ર થાણેની વધતી જતી પરિવહન જરૂરિયાતોને પહોંચી વળવા માટેની એક ચાવીરૂપ પહેલ છે.
એલિવેટેડ ઈસ્ટર્ન ફ્રીવે એક્સ્ટેન્શનનો શિલાન્યાસ
થાણેમાં છેડા નગરથી આનંદ નગર સુધી એલિવેટેડ ઇસ્ટર્ન ફ્રીવે એક્સટેન્શનનો શિલાન્યાસ પણ કરશે, જેનો ખર્ચ આશરે 3,310 કરોડ રૂપિયા થશે. આ પ્રોજેક્ટ દક્ષિણ મુંબઈથી થાણે સુધી સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ ઉપરાંત આજે વડા પ્રધાન નવી મુંબઈ એરપોર્ટ ઈન્ફ્લુએન્સ નોટિફાઇડ એરિયા (નૈના) પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ કરશે, જેનું મૂલ્ય આશરે 2,550 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટમાં મુખ્ય માર્ગો, પુલો, ફ્લાયઓવર, અંડરપાસ અને સંકલિત યુટિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણનો સમાવેશ થાય છે. ઉપરાંત વડા પ્રધાન મોદી મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના – 2.0 અંતર્ગત સમગ્ર મહારાષ્ટ્રમાં 19 મેગાવોટની કુલ ક્ષમતા ધરાવતા પાંચ સોલર પાર્કનું લોકાર્પણ કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ મુખ્યમંત્રી માઝી લાડકી બહિન યોજનાના લાભાર્થીઓનું સન્માન પણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!