આ સિમ્પલ Air Travel Tips તમારી જર્ની બનાવશે આરામ અને આનંદદાયક…
એર ટ્રાવેલ એ આજના સમયનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયો છે અને લોકો સમય બચાવવા તેમ જ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચવા માટે ફ્લાઈટમાં ટ્રાવેલ કરે છે. પરંતુ સમયની સાથે સાથે એક સમયે આરામદાયક અને સુવિધાજનક એર ટ્રાવેલ હવે માથાનો દુઃખાવો સાબિત થઈ રહ્યો છે. એરપોર્ટ પર વધતી જતી ભીડ અને સિક્યોરિટી ચેકિંગને કારણે પ્રવાસીઓને મુશ્કેલી પડે છે. આજે અમે અહીં તમારા માટે કેટલીક એવી સિમ્પલ અને કામની એરપોર્ટ હેક્સ લઈને આવ્યા છીએ જે તમારા એર ટ્રાવેલને એકદમ આરામદાયક અને આનંદદાયક બનાવશે. ચાલો સમય વેડફ્યા વિના જાણીએ શું છે આ સિમ્પલ અને કામની ટિપ્સ…
ખાલી પાણીની બોટલ સાથે રાખો
તમારા કેરી ઓન લગેજમાં હંમેશા ખાલી પાણીની બોટલ રાખો. એક વખત સિક્યોરિટી ક્લિયર થઈ જાય એટલે તમે આ ખાલી પાણીની બોટલ એરપોર્ટ પરથી રીફિલ કરી શકશો. આ રીતે પાણીની બોટલ સાથે રાખવાથી તમે એરપોર્ટ પર મળતું બોટલ પેક પાણી ખરીદવાથી બચી જશો.
24 કલાક પહેલાં વેબ ચેક ઈન કરી લો
ટ્રાવેલ કરવાના 24 કલાક પહેલાં તમે ઓનલાઈન વેબ ચેક ઈન કરીને કાઉન્ટર પરની લાંબી લાંબી લાઈનથી બચી શકો છો. આ સિવાય વેબ ચેક અની કરીને તમે તમારા માટે મનગમતી સીટ પણ પસંદ કરી શકશો.
ચેક ઈન લગેજ પર કલરફૂલ રીબિન બાંધો
જો તમે તમારું લગેજ ચેક ઈનમાં નાંખ્યુ છે તો લગેજ બેલ્ટ પર બીજી સરખી દેખાતી બેગ સાથે તે મિક્સ ના થઈ જાય એ માટે તમારા લગેજ પર અલગ અલગ કલરફૂલ રીબિન બાંધો. આવું કરીને તમે તમારી બેગ બદલાઈ જતી કે બીજી એક સરખી દેખાતી બેગમાં મિક્સ થઈ જતી અટકાવી શકશો.
સિક્યોરિટી ચેકિંગ માટે ડાબી બાજુએ જાવ
હવે તમને થશે કે ભાઈ આવું કેમ, સિક્યોરિટી ચેકિંગ તો એક સરખી જ છે ને? પણ આવું કહેવા પાછળ એક તર્ક છે. એક અભ્યાસમાં થયેલાં ખુલાસા પ્રમાણે મોટાભાગના લોકો રાઈટી હોય છે એટલે સ્વાભાવિક જ તેઓ એરપોર્ટ પર પણ જમણી તરફ આવેલા સિક્યોરિટી કાઉન્ટર પર જાય છે. જેને કારણે જમણી તરફના સિક્યોરિટી ચેકિંગ કાઉન્ટર પર ભીડ હોય છે. એવામાં જો તમે ડાબી તરફ જશો તો સિક્યોરિટી કાઉન્ટર ખાલી મળશે અને તમે ભીડમાંથી બચી શો અને સમય પણ બચી જશો.
હંમેશા ઘરથી નાસ્તો લઈને જાવ
અરપોર્ટ પર જાવ ત્યારે હંમેશા ઘરેથી નાસ્તો લઈ જવાનું રાખો. આવું કરવાથી બે ફાયદા થશે. એક તો એરપોર્ટ પર મળતાં મોંઘાદાટ નાસ્તા ખરીદવાને કારણે થતો પૈસાનો બગાડ અટકી જશે અને બીજું એટલે ઘરનો નાસ્તો હશે એટલે હેલ્ધી અને સ્વાદિષ્ટ પણ હશે.
લેપટોપ, ઈલેક્ટ્રોનિક આઈટમ્સ સરળતાથી કાઢી શકાય એ રીતે રાખો
એરપોર્ટ પર સિક્યોરિટી ચેકિંગ વખતે લેપટોપ, ચાર્જર, પાવર બેંક સહિતની તમામ ઈલેક્ટ્રોનિક આઈટમ્સ પણ સ્કેનિંગમાં નાખવી પડે છે. આવા સમયે જો તમે એક જ બેગમાં બધી વસ્તુઓ નાખશો તો સિક્યોરિટી સમયે તમને એને શોધવામાં મુશ્કેલી પડી શકે છે. આ મુશ્કેલીમાંથી રાહત મેળવવા માટે લેપટોપ, ચાર્જર અને ઈલેક્ટ્રોનિક આઈટમ્સને અલગથી સરખી રીતે પાઉચમાં એક સાથે રાખો, જેથી તમને છેલ્લી ઘડીએ મુશ્કેલી ના પડે.