દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને મળશે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર
ભારતીય ફિલ્મોમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર (Dadasaheb Phalke Award) આપવામાં આવશે. પોતાની ફિલ્મી કારકિર્દીમાં તમામ શાનદાર ફિલ્મો આપી છે અને દમદાર એક્ટિંગને લઈને લોકોના દિલોમાં પણ આજે સ્થાન જમાવ્યું છે. હવે 74 વર્ષીય અભિનેતા હવે દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ અંગેની જાણકારી આજે કેન્દ્રીય પ્રધાને માહિતી આપી હતી.
સિલેક્શન જ્યુરીએ મિથુનદાની પસંદગી કરી
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અશ્વિની વૈષ્ણવે અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સૌને જાણકારી આપતા જણાવ્યું હતું કે મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. તેમણે લખ્યું હતું કે મિથુનદાની સિનેમા જગતની યાત્રા સૌકોઈ લોકો યાદ રાખશે. આજની જનરેશનને પ્રેરણા આપે છે. દાદા સાહેબ ફાળકે પુરસ્કારની જ્યુરીએ મહાન અભિનેતા મિથુનદાની પસંદગી કરવામાં આવી છે.
નેશનલ ફિલ્મ એવોર્ડ સેરેમનીમાં અપાશે પુરસ્કાર
મિથુન ચક્રવર્તીને આ પુરસ્કાર આઠમી ઓક્ટોબર, 2024ના મળશે. 70મા નેશનલ ફિલ્મ પુરસ્કારની સેરેમનીમાં આપવામાં આવશે. આ પુસ્કારની જાહેરાત સાથે મિથુન ચક્રવર્તીને તેમના ચાહકો અને સેલિબ્રિટિઝે શુભેચ્છાઓ આપી હતી. આ અગાઉ મિથુનદાને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. એપ્રિલ મહિનામાં મિથુન ચક્રવર્તીને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
મૃગ્યા ફિલ્મથી મિથુનદાએ કર્યુ ડેબ્યૂ
કોલકાતામાં જન્મેલા મિથુન ચક્રવર્તીએ લાંબા સમયના સંઘર્ષ પછી ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. 16 જૂન, 1950માં કોલકાતામા જન્મેલા મિથુનદાએ 1977માં સૌથી પહેલી મૃગ્યા ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે મિથુન ચક્રવર્તીને બેસ્ટ અભિનેતાનો પુરસ્કાર મળ્યો હતો. એના પછી મિથુન ચક્રવર્તીએ પાછળ વળીને જોયું નહોતું. બોલીવુડમાં અનેક સુપર-ડુપર હીટ ફિલ્મોમાં કામ કરીને પોતાની પ્રતિભાને ચાર ચાંદ લગાવ્યા હતા.
સ્વામી વિવેકાનંદ ફિલ્મમાં મળ્યો એવોર્ડ
એક પછી એક લોકપ્રિય ફિલ્મોને કારણે 1980માં મિથુનદાએ લોકપ્રિયતા વધારો થયો હતો, તેમાંય વળી 1980માં ડિસ્કો ડાન્સર ફિલ્મમાં જોરદાર સફળતા મળી. ફિલ્મની સાથે ડિસ્કો ડાન્સર ગીતે મિથુનદાને આગવી ઓળખ આપી હતી. 1990માં અગ્નિપથમાં ભૂમિકાને લઈ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ઉપરાંત, બે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા હતા, જેમાં સ્વામી વિવેકાનંદ (1998) અને 1992માં તહાડેર કથાનો સમાવેશ થાય છે.
350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું મિથુનદાએ
બોલીવુડમાં એકથી એક ચઢિયાતી ફિલ્મો કરનારા મિથુન ચક્રવર્તીએ 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું, જેમાં હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ, બંગાળી સહિત પંજાબીમાં ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. સુપરહીટ અને યાદગાર હિન્દી ફિલ્મોની વાત કરીએ તો અગ્નિપથ, મુઝે ઈન્સાફ ચાહિએ, હમ સે હૈ જમાના, પસંદ અપની અપની, ઘર એક મંદિર, કસમ પૈદા કરને વાલે કી વગેરે ફિલ્મોનું નામ લઈ શકાય.