ચેતજોઃ વધુ પડતા મોબાઈલનો વપરાશ બાળકો માટે છે જોખમી, પણ કઈ રીતે?
નોકરિયાત માતાપિતાની એક જ ફરિયાદ હોય છે કે બાળકો પર પૂરતું ધ્યાન આપી શકાતું નથી. તેમાંય વળી એકથી વધુ બાળકો હોય અને માતાપિતા બંને વર્કિંગ હોય તો તેમને સંભાળવા માટે તેમના પેરેન્ટ્સ હોય તો વાંધો આવતો નથી. આમ છતાં જો તેમ ન બને તો દરેક વખત રોદણા રોવાની નોબત આવે છે. વર્કિંગ પેરેન્ટસ હોય કે પછી અન્ય કારણસર જો બાળકો પર પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો તમારા માટે ભવિષ્યમાં બાળકો જ જોખમ ઊભું કરી શકે છે. જો ખબર ના હોય તો બાળકોની જીવનશૈલી પર ધ્યાન આપો આ બાબતોનું. ખાસ આજના આધુનિક યુગમાં બાળકો વધુ પડતા ગેજેટ્સના ઉપયોગને કારણે તેમની લાઈફસ્ટાઈલ પર અસર પડે છે. બાળકો જ નહીં, પરંતુ તેનાથી માતાપિતા પણ બાકાત નથી તો પણ બાળકોને તેનાથી દૂર રાખવામાં તમારું અને બાળકોનું ભલું રહે છે, કારણ ચાલો જણાવીએ અનેક મહત્ત્વના સંશોધનોથી.
બાળકો પૂરતી ઊંઘ નથી લેતા
એક રિસર્ચમાં તો એટલે સુધી દાવો કરવામાં આવ્યો હતો કે દસ ટકા બાળકો જ પૂરતી ઊંઘ લઈ શકે છે. અને બીજું સૌથી મોટું જોખમ તેને કારણે એ ઊભું થયું હતું કે પૂરતી ઊંઘ નહીં લેવાને કારણે બાળકોના આરોગ્ય પર અસર ઊભી થઈ હતી. વૃદ્ધાવસ્થાએ પહોંચેલા લોકોને ઊંઘની તકલીફ રહે છે, પરંતુ ભારતમાં તો બાળકો પૂરતી ઊંઘ લેતા નહીં હોવાની ફરિયાદો ડોક્ટરને મળે છે. એક સંશોધન પ્રમાણે પચાસ ટકા બાળકો સાત કલાકથી પણ ઓછી ઊંઘ લઈ શકે છે.
મોબાઈલની બ્લુ લાઈટ જોખમી
બાળકો પૂરતી ઊંઘ નહીં લેતા હોવાને કારણે તેમના આરોગ્ય પર સીધી અસર પડે છે, તેમાંય વળી મોબાઈલમાંથી નીકળતા બ્લુ લાઈટની મગજ પર અસર પડે છે, તેનાથી સીધી ઊંઘ પર અસર પડે છે, તેથી આ બાબત બાળકો માટે એલાર્મ કોલ છે. ભારતમાં કરવામાં આવેલા અન્ય એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોટા ભાગના બાળકો ઊંઘ પૂરતી લેતા નથી.
સ્કૂલે જનારા બાળકો માંડ છ કલાક ઊંઘે છે
60 ટકાથી વધુ શાળાએ જનારા બાળકો માંડ છ કલાકથી ઓછી ઊંઘ લેતા હોય છે, તેમાંથી 30 ટકાથી વધુ બાળકો માંડ પાંચ કલાકથી ઓછી ઊંઘ લે છે, તેનાથી સમજી શકો છો બાળકોના માનસ પર શું અસર પડતી હશે. ઊંઘના અભાવને કારણે માનસિક અને શારીરિક એમ બંને રીતે અસર થાય છે. આ બાબતોને માતાપિતાને જાણ હોય છે, પણ ક્યારેક પોતાને મળતા સમયના અભાવને કારણે રોકી શકતા નથી.
આંખો સંબંધિત બીમારીમાં વધારો
વધુ પડતા મોબાઈલના વપરાશને કારણે એટલે સ્ક્રીન ટાઈમિંગમાં વધારો થવાને કારણે બાળકોના શરીરમાં જોઈન્ટ્સ અને આંખો પર અસર થઈ હતી. છેલ્લા પંદર વર્ષમાં તો મોટેરા સાથે બાળકોને ચશ્માનું પ્રમાણ વધ્યું છે. મોબાઈલ, ટેબ્લેટ કે અન્ય ગેઝેટ્સના વધુ પડતા વપરાશને કારણે ભારતમાં પણ આંખો સંબંધિત સમસ્યામાં વધારો થયો હતો. બાળકોમાં તો એટલે સુધી કહેવાય છે કે વધુ પડતા ગેઝેટ્સના ઉપયોગને કારણે બાળકોને આંખો પર અસર વધુ થઈ હતી, જેમાં દૂરની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકતા નહીં હોવાની ફરિયાદ વધી હતી. સ્ક્રીન ટાઈમિંગમાં વધારાને કારણે બાળકોની સાથે મોટા લોકોને વહેલા ચશ્મા આવી ગયા હતા.
