બદલાપુર રેપ કેસના આરોપીનું એન્કાઉન્ટર, વિરોધપક્ષે સરકાર પર ઉઠાવ્યા સવાલ?
બદલાપુર એક સ્કૂલમાં માસુમ બાળકીના શોષણ કરનારા આરોપી અક્ષય શિંદેનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું. હવે એવું જાણવા મળ્યું છે કે અક્ષય શિંદેએ પોલીસની રિવોલ્વર છીનવીને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. એના પછી ક્રોસ ફાયરિંગમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો,જેમાં મોત થયું છે. હવે આ કેસમાં વિરોધપક્ષે રાજ્ય સરકારને સાણસામાં લઈ ગંભીર સવાલો કર્યા છે.
પોલીસની પકડમાંથી ભાગવાની કરી કોશિશ
થાણે પોલીસે કહ્યું કે બદલાપુર બાળકીઓના રેપના આરોપી અક્ષય શિંદે પોલીસના એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. આરોપી ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે લઈ જવામાં આવી રહ્યો હતો. કથિત રીતે એક પોલીસની પિસ્તોલ છીનવી લીધી હતી અને પોલીસની પકડમાંથી ભાગવાની કોશિશમાં પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું હતું.
બે બાળકી પર કર્યો હતો જાતીય અત્યાચાર
પોલીસે જણાવ્યું કે આરોપીએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને આ બનાવમાં એક પોલીસ અધિકારી પણ ઘાયલ થયો હતો. આ બનાવ પછી ઈજાગ્રસ્ત પોલીસને જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે પોલીસ ફાયરિંગમાં આરોપીનું મોત થયું હતું. આરોપીએ 12 અને 13 ઓગસ્ટના સ્કૂલના ટોઈલેટમાં બે બાળકી સાથે જાતીય અત્યાચાર કર્યા હતા. જોકે, તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યા પછી બદલાપુરમાં સ્થાનિક લોકોએ ફટાકડાં ફોડ્યા હતા, જ્યારે સોશિયલ મીડિયા પર લોકોએ લખ્યું હતું જસ્ટિસ ડિલિવર.
અક્ષય શિંદેને સંજય શિંદેની ટીમે પતાવ્યો
અક્ષય શિંદેને સોમવારે તળોજા જેલથી બદલાપુર તપાસ માટે લઈ જવામાં આવી રહ્યો હતો. મુમ્બ્રા બ્રિજ નજીક એક અધિકારી પાસેથી બંદૂક છીનવીને પોલીસ પર ગોળીબાર કર્યો હતો. સામે ફાયરિંગમાં સંજય શિંદે અને સહાયક પોલીસ નીલેશ મોરે ઘાયલ થયો છે. સંજય શિંદે આ અગાઉ થાણે પોલીસ ક્રાઈમ બ્રાન્ચમાં કામ કર્યું હતું, જેનું અગાઉ નેતૃત્વ તત્કાલીન આઈપીએસ પ્રદીપ શર્માએ કર્યું હતું. પ્રદીપ શર્માને પણ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. 100થી વધુ એન્કાઉન્ટર કરવાનું શ્રેય જાય છે.
સરકારે ગંભીરતાથી નોંધ લીધી નહીં
મહારાષ્ટ્રના કોંગ્રેસના વિધાનસભ્ય વિજય વડેટ્ટીવારે કહ્યું કે બદલાપુરની ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી નહીં, તેનાથી બદલાપુરમાં વિરોધ પ્રદર્શન થયું હતું. ગૃહ વિભાગ અને સરકારે આરોપીઓને બચાવવા માટે શક્ય એટલી મદદ કરી હતી. આજે જે ઘટના ઘટી એમાં પોલીસે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી પણ મને એમાં ગડબડ લાગે છે. મુખ્ય આરોપીની હત્યા કરીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને આરએસએસ સાથે સંકળાયેલા લોકોને બચાવવાની કોશિશ કરે છે. અમે લોકો તેની ન્યાયિક તપાસની માગણી કરી રહ્યા છીએ.
કાયદાકીય વ્યવસ્થા સંપૂર્ણ નિષ્ફળઃ સુળે
દરમિયાન એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)નાં સાંસદ સુપ્રિયા સુળેએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે બે બાળકીના યૌન શોષણ કેસમાં મહાયુતિ સરકારનું વલણ ચોંકાવનારું છે. પહેલા એફઆઈઆર નોંધાવવામાં વિલંબ કર્યો હતો હવે આરોપીની ધરપકડ કરાયેલી છે અને હત્યા કરવામાં આવી. કાયદાકીય વ્યવસ્થા સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. આ બાબત અક્ષમ્ય છે અને મહારાષ્ટ્રના લોકોને ન્યાયથી વંચિત રાખવાની વાત છે, એમ ટવિટ કરી હતી.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ મારફત તપાસ થવી જોઈએ
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશપ્રમુખ નાના પટોલે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચૌહાણે પણ ઘટનાને વખોડી નાખી હતી. મહારાષ્ટ્ર પોલીસ માટે આ કાળો દિવસ છે, કારણ કે એક જમાનામાં તેમની પ્રતિષ્ઠા હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ મારફત આ કેસની તપાસ કરવાની અપીલ કરું છું.