Election: મહાવિકાસ આઘાડીમાંથી મુખ્ય પ્રધાનપદનો ચહેરો કોણ, કોંગ્રેસે કરી સ્પષ્ટતા!
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી નથી, પરંતુ પ્રદેશમાં ખેંચાખેંચી ચાલુ છે. રાજ્યના મોટા પક્ષોની સાથે નાના પક્ષો પણ મોટી-મોટી દાવેદારી નોંધાવી રહ્યા છે. શિવસેનાની આગેવાની હેઠળની પૂર્વ ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ આઘાડી (એમવીએ)ના પક્ષો પણ તૈયારીઓ હાથ ધરી છે.
ચૂંટણી પછી નિર્ણય લેવામાં આવશે
મહાવિકાસ આઘાડીમાં બેઠકોની ફાળવણી કરવામાં આવી નથી, પરંતુ અત્યારથી સીએમપદના ચહેરા તરીકેની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આ મુદ્દે લોકસભામાં સૌથી વધુ સીટ લાવનાર કોંગ્રેસે પણ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. અગાઉ એનસીપીના સ્થાપક શરદ પવારે કહ્યું હતું કે દસ દિવસમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે ત્યારે તાજેતરમાં કોંગ્રેસે પણ સ્પષ્ટ કર્યું છે કે વિધાનસભાની ચૂંટણી પછી સીએમપદના ચહેરાનો નિર્ણય લેવામાં આવશે.
બીજા કોઈના નામ અંગે વિશ્વાસ કરશો નહીં
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાતે કહ્યું હતું કે હાલમાં અમે ગઠબંધનની આગેવાનીમાં ચૂંટણી લડવાના છે, તેથી એનો નિર્ણય પણ ગઠબંધનના પક્ષો લેશે. અમારી પાસે ઉત્સાહી કાર્યકર્તાઓ છે. સીએમપદના ચહેરા માટે અલગ અલગ નામ આવી રહ્યા છે. હાલમાં બીજા કોઈના નામ અંગે વિશ્વાસ કરવાનું જરુરી નથી. આગામી દિવસોમાં આ મુદ્દે એમવીએ જે કોઈ નિર્ણય લેશે એ અમને માન્ય હશે, એમ તેમણે જણાવ્યું હતું.
લક્ષ્યાંક તો ભાજપને સત્તામાંથી ઉથલાવવાનો
દરમિયાન કોંગ્રેસના અન્ય નેતા રમેશ ચેન્નિથલાએ કહ્યું હતું કે અમે વિધાનસભાની ચૂંટણી પછી મુખ્ય પ્રધાનપદની ચર્ચા કરીશું. અમારો લક્ષ્યાંક તો હાલમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને સત્તામાંથી હટાવવાનો છે. એક દેશ એક ચૂંટણીના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે જે લોકો આ મુદ્દે સમર્થન આપી રહ્યા છે તે લોકોએ હરિયાણા-જમ્મુ કાશ્મીરની ચૂંટણી સાથે મહારાષ્ટ્રની ચૂંટણીની પણ જાહેરાત શા માટે કરી નહીં. રાજ્યમાં વહેલી તકે ચૂંટણી જાહેર કરવી જોઈએ, કારણ કે જનતાએ રાજ્ય સરકારને સત્તામાંથી હટાવવાનું મન બનાવી લીધું છે.
288 વિધાનસભાની બેઠક માટે ચૂંટણીની ઈંતજારી
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં યોજાવવાની સંભાવના છે. રાજ્યની વિધાનસભાની કૂલ 288 બેઠક છે, જેમાં 2019માં ચૂંટણી યોજવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ બેઠક મળી હતી. આમ છતાં સરકાર રચી શકી નહોતી. મુખ્ય પ્રધાનના પદ માટે જ વાત અટક્યા પછી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસને સાથે મળીને સરકાર બનાવી હતી. પણ સરકાર ટકી નહોતી. ત્યારબાદ એકનાથ શિંદેના બળવાએ સરકારનું પતન કરાવ્યા પછી ભાજપની આગેવાનીમાં મહારાષ્ટ્ર સરકાર બની હતી.