દેશની સૌથી પહેલી વંદે મેટ્રો ટ્રેનની કચ્છવાસીઓને મળી ભેટ, જાણો A to Z…
અમદાવાદઃ ભારતમાં સૌથી પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવ્યાના લગભગ પાંચ વર્ષ પછી એક નવા આધુનિક મોડલ સાથે નાના શહેરોને જોડતી વંદે ભારત નહીં, પરંતુ વંદે મેટ્રો ટ્રેનનો આજથી શુભારંભ કરવામાં આવશે. ભુજ અને અમદાવાદ વચ્ચે દેશની સૌથી પહેલી વંદે મેટ્રો ટ્રેન શરુ કરીને ગુજરાતીઓ જ નહીં, કચ્છી પ્રજા માટે સૌથી ઝડપી મુસાફરી માટે ઉત્તમ સુવિધા પૂરી પાડી છે.
મેડિકલ ઈમર્જન્સી માટે સ્ટ્રેચરની વ્યવસ્થા
ભારતીય રેલવેમાં પહેલી વખત શોર્ટ એન્ડ મિડિયમ ડિસ્ટન્સ માટે વંદે મેટ્રો શરુ કરવાની યોજના ઘડી હતી. આ યોજનાને સાકાર કરતા આજથી ભુજથી અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ ટ્રેનની વિશેષતા એ છે કે મેડિકલ ઈમર્જન્સીમાં દર્દીઓને લઈ જવા માટે ડ્રાઈવરની સીટ નજીક અલગ સ્ટ્રેચર રાખવામાં આવ્યું છે. દેશની સૌથી આધુનિક ટ્રેનમાં આ પ્રકારની પહેલી વખત સુવિધા ઊભી કરી છે.
ભુજથી અમદાવાદનું ભાડું 450ની આસપાસ
દુનિયાની રેલવેમાં એકંદરે સૌથી સસ્તુ પરિવહન કદાચ ભારતમાં છે. ભારતીય રેલવે કહે છે કે નુકસાનીમાં પેસેન્જર સર્વિસ ચલાવે છે, જેમાં નુકસાનીમાં મેલ-એક્સપ્રેસ ટ્રેન ચલાવે છે. પણ જાણીએ અમદાવાદ-ભુજ-અમદાવાદ ટ્રેનનું ભાડું અંદાજે 450 રુપિયાની આસપાસ હશે. બંને શહેર વચ્ચેનું અંતર 350 કિલોમીટરથી વધારે છે. ટ્રેનમાં એરોસલ આધારિત ફાયર ફાઈટિંગ સિસ્ટમ વિકસાવી છે, જ્યારે ટ્રેનમાં એલએફપી બેટરી સાથે ત્રણ કલાકનું બેકઅપ પણ રાખવામાં આવ્યું છે.
5.45 કલાકમાં 360 કિલોમીટરનું અંતર કાપશે
આધુનિક વંદે મેટ્રો ટ્રેનમાં આધુનિક સુવિધાઓ જેમ કે ટ્રેનમાં ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર, મોડ્યુલર ઈન્ટિરિયલ, સીસીટીવી (ક્લોઝ સર્કિટ ટેલિવિઝન કેમેરા)થી સજ્જ છે, જ્યારે ટ્રેનના કોચમાં ફોન ચાર્જિંગની સુવિધા છે. દરેક કોચમાં ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર, પેસેન્જર ટોકબેક સિસ્ટમ તેમ જ ફાયર એન્ડ સ્મોક ડિટેક્શન સિસ્ટમથી સજ્જ હશે. 12 એસી કોચની ટ્રેનમાં 1,150 પેસેન્જરની સીટિંગ કેપેસિટી હશે. 12 એસી કોચની વંદે મેટ્રો ટ્રેનની સ્પીડ કલાકના 62 કિલોમીટરની હશે, જ્યારે મેક્સિમમ સ્પીડ કલાકના 110 કિલોમીટરની હશે. 360 કિલોમીટરનું અંતર 5.45 કલાકમાં કાપશે.
બંને સ્ટેશન વચ્ચે નવ હોલ્ટ સ્ટેશન
ટ્રેનમાં એલાર્મ સિસ્ટમની સાથે ફાયર પ્રુફ રહે એની તકેદારી રાખવામાં આવી છે. દરેક કોચમાં ઈમર્જન્સી એલાર્મ પુશ બટન પણ રાખવામાં આવ્યા છે. દરેક કોચમાં લગેજ રેક, હેન્ડલ હોલ્ડ અને ડોર હેન્ડ રેલિંગ પણ રાખવામાં આવી છે. તમામ કોચમાં ફાયર ડિટેક્શન પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે. ભુજથી સવારે 5.05 વાગ્યે ઉપડશે, જ્યારે સવારે 10.50 વાગ્યે અમદાવાદ પહોંચશે, જ્યારે બંને સ્ટેશન વચ્ચે નવ હોલ્ટ સ્ટેશન રહેશે, જેમાં સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, હળવદ, સામખ્યાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજારનો સમાવેશ થાય છે. આ મુદ્દે પશ્ચિમ રેલવેના અધિકારીએ કહ્યું હતું કે વંદે મેટ્રો ટ્રેન કચ્છવાસીઓ માટે લાઈફલાઈન બની શકશે.