July 1, 2025
ગુજરાત

ગુજરાતમાં વરસાદનો વિરામ, ત્રીજીથી સક્રિય થશેઃ સફાઈ કામગીરીને પાર પાડવાનો પડકાર

Spread the love

ગાંધીનગરઃ સતત પાંચેક દિવસ પડેલા ભારે વરસાદને ગુજરાતના મોટા ભાગના શહેરો-તાલુકાઓને ધમરોળી નાખ્યા પછી શુક્રવારે રાત પછી વરસાદે વિરામ લેતા નાગરિકોની સાથે ગુજરાત સરકારે રાહતનો શ્વાસ લીધો. વરસાદના બ્રેક પછી સરકારની બચાવ અને સફાઈ કામગીરીમાં વધારો કરવામાં આવ્યો છે, જે સૌથી વધુ પડકાર છે. ખાસ કરીને વડોદરા, જામનગર, દ્વારકામાં થયેલા નુકસાનની સમીક્ષા હાથ ધરવામાં આવી છે.
અસના ચક્રવાત ફંટાઈ જતા રાહત
સૌથી મોટી રાહત એ હતી કે રાજ્ય પર અસના ચક્રવાતનું જોખમ ટળી ગયું હતું, જ્યારે સુરક્ષાના કારણસર 3,500થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. કચ્છમાં ખાસ કરીને અબડાસા, માંડવી અને લખપતમાં કાચા મકાનમાં રહેનારા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી, જ્યારે ગુરુવારે રાતના ભુજથી લગભગ 190 કિલોમીટર પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં કેન્દ્રીત થયું હતું.
68 તાલુકામાં વરસાદનું જોર ઘટ્યું
ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર ૧.૩૬ એમ.એમ. જ નોંધાયો છે.
આ સમયગાળા દરમિયાન કચ્છના મુન્દ્રા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ એક ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે. જ્યારે, રાજ્યના કુલ ૬૮ તાલુકામાં એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમિયાન રાજ્યના કોઇપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૩૧મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૧ ટકા એ યથાવત છે.
કચ્છમાં સૌથી વધુ વરસાદ નોંધાયો
કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૭૯ ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૧૧ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૦૫ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૮૮ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. હજુ આજે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લામાં ભારે વરસાદ પડવા સંબંધમાં યલો એલર્ટ જારી કર્યું છે, જ્યારે ગાંધીનગર, અમદાવાદ અને આણંદમાં હળવો વરસાદ પડી શકે છે.
ત્રીજીથી વરસાદ ફરી સક્રિય થશે
ગુજરાતમાં આગામી ત્રીજી સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરા અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે, જેમાં ત્રીજીના ભરૂચ, નર્મદામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે, જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર સહિત આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!