July 1, 2025
ગુજરાતટોપ ન્યુઝ

ગુજરાતમાં આફત હી આફતઃ 140 જળાશય અને 24 નદીમાં જોખમ, સરેરાશ 105 ટકા વરસાદ

Spread the love

વડોદરા અને જામનગર ડૂબ્યા, લાખો લોકોના જીવ પડિકે બંધાયા, પ્રશાસન ખડેપગે

છેલ્લા પાંચ દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે ગુજરાતમાં મોટા ભાગના શહેર-તાલુકા જળબંબાકાર બન્યા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે. વરસાદને કારણે વિવિધ બનાવમાં 29 લોકોના મોત થયા છે, હજારો લોકોને બચાવવામાં આવ્યા છે. તેની સાથે રાજ્યના 140 જળાશયો અને 24 નદીઓ ખતરાની સપાટીએ વહી રહ્યા છે. અસરગ્રસ્તોને મદદ કરવા માટે રાજ્યના પાલિકા, ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એનડીઆરએફ સહિત અન્ય એજન્સી બચાવ કામમાં જોતરાઈ છે, જ્યારે આર્મીને મદદ માટે ઉતારવામાં આવી છે. પૂરની પરિસ્થિતિને કારણે વડોદરા અને જામનગર જેવા શહેરોના રહેવાસી વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે લાખો લોકોના જીવ પડિકે બંધાયા છે.
આ મુદ્દે હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે એકંદરે રાજ્ય પર ભારે વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે. આજે પણ અનેક તાલુકા-શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાને કારણે રેડ એલર્ટ જારી કર્યું છે. સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરથી જણાવ્યું છે કે ગુજરાતમાં સિઝનનો કૂલ 105 ટકા વરસાદ પડ્યો છે. દીવાલ, ઘરનો હિસ્સો તૂટી પડવાની સાથે ડૂબવાના વિવિધ બનાવ મળીને કૂલ 29 લોકોના મોત થયા છે, જ્યારે 23,000થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.


વડોદરા-જામનગરના જિલ્લાના ગામ, શહેરોમાં વરસાદને કારણે ગંભીર સ્થિતિ ઊભી થઈ છે, જેમાં તમામ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ફરી વળ્યા છે. આજવા અને પ્રતાપપુરાના જળાશયોમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યા હતા. વડોદરાની આસપાસના વિસ્તારો અને નદી કિનારાના વિસ્તારો અને રસ્તાઓ પર લગભગ 10થી 12 ફૂટ પાણી ફરી વળ્યા છે, જ્યારે રહેવાસી વિસ્તારોમાં પૂર આવતા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
પૂરને કારણે હંગામી ધોરણે પ્રશાસન દ્વારા શેલ્ટર રુમ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં અસરગ્રસ્તોને તાકીદે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું છે કે પૂરના પાણીને વિશ્વામિત્રી નદીમાં છોડવાને બદલે નર્મદા કેનાલમાં છોડવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. ભારે વરસાદને કારણે જાનહાનિના સમાચાર છે તેમ જ ખેતરોમાં પાણી ફરી વળવાની સાથે જનાવરો તણાઈ ગયા છે. 23,000થી વધુ લોકોને સુરક્ષિત ખસેડવાની સાથે 300થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. આજે અગિયાર જિલ્લામાં રેડ એલર્ટને કારણે પ્રશાસન પણ સતર્ક છે, જેમાં ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!