July 1, 2025
નેશનલમહારાષ્ટ્ર

અજિત પવારનો ધડાકોઃ કાશ્મીરના ઈલેક્શન માટે 3 બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યાં

Spread the love

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની પાર્ટી જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી લડવા માટે સજ્જ છે. મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળ ભાજપ, શિવસેના અને એનસીપી (અજિત પવાર)ની યુતિમાં સરકાર ચલાવવામાં આવી રહી છે ત્યારે કાશ્મીરમાં એનસીપીએ ચૂંટણી લડવાની જાહેરાત કરીને સૌ પાર્ટીને ચોંકાવ્યા છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીએ કાશ્મીરની ચૂંટણી માટે પહેલા તબક્કા માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી હોવાની માહિતી એનસીપીના નેશનલ સેક્રેટરી અને કાશ્મીરના પ્રભારી બ્રિજમોહન શ્રીવાસ્તવે આપી હતી. પાર્ટીની સંસદીય બોર્ડે પુલવામા જિલ્લામાં ચૂંટણી લડવા માટે ત્રણ ઉમેદવારના નામને મંજૂરી આપી છે.
શ્રીવાસ્તવે જણાવ્યું કે ત્રાલથી મોહમ્મદ યુસુફ હજામ, પુલવામાથી ઈશ્તિયાક અહમદ શેખ અને રાજપુરાથી અરુણ કુમાર રૈનાને ટિકિટ આપવામાં આવી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ આ ત્રણેય ઉમેદવારને નોમિનેટ કર્યા છે, જ્યારે પાર્ટીના ચૂંટણી ચિહ્ન ઘડિયાળથી લડશે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પહેલી વખત જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી લડશે તેમ જ પાર્ટીએ કોઈની સાથે ગઠબંધન પણ કર્યું નથી. હવે મજાની વાત એ છે કે કદાચ ભાજપની સામે એનસીપીના ઉમેદવાર ચૂંટણી લડી શકે છે.
કાશ્મીર વિધાનસભાની 90 બેઠક માટે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. પહેલા તબક્કા દરમિયાન 18 સપ્ટેમ્બરના 24 બેઠક પર મતદાન કરવામાં આવશે. પાર્ટીએ કહ્યું કે અન્ય તબક્કાના મતદાન માટે ટૂંક સમયમાં અન્ય ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે. કાશ્મીરમાં સૌથી મોટી વાત એ છે કે 10 વર્ષ પછી ચૂંટણી યોજવામાં આવશે. 2014માં ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીએ પીડીપી સાથે મળીને સરકાર બનાવી હતી.
કાશ્મીર સિવાય એનસીપીનું વર્ચસ્વ મહારાષ્ટ્રમાં છે. હાલમાં અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપી ભાજપ અને શિવસેનાની સરકારમાં ભાગીદારી ધરાવે છે. લોકસભાની ચૂંટણીમાં બે સાંસદને કેબિનેટમાં સ્થાન આપવા માટે ખટપટ થયા પછી રાષ્ટ્રીય સ્તરે ગઠબંધનમાં રીતસર ઘર્ષણ ચાલતું હોવાનું પુરવાર થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!