આજે ભદ્રા કાળ પણ તેમ છતાં આ કારણે કોઈ પણ સમયે બાંધી શકાશે ભાઈને રાખડી…
દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના રક્ષા બંધનનો પવિત્ર તહેવાર ઊજવવામાં આવે છે અને આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડે રક્ષા સૂત્ર બાંધીને તેની લાંબી આવરદા અને રક્ષાની કામના કરે છે. આજે 19મી ઓગસ્ટના રક્ષા બંધનનો તહેવાર ઊજવાઈ રહ્યો છે, પણ આ વખતે રક્ષા બંધનના આ પવિત્ર તહેવાર પર ભદ્રાનો પ્રભાવ છે, એવું કહેવાઈ રહ્યું છે. પરંતુ આ ભદ્રા કાળની પૃથ્વીલોક પરની રક્ષા બંધન પર કોઈ અસર નહીં જોવા મળે, જેથી બહેનો કોઈ પણ સમયે ભાઈઓને રાખડી બાંધી શકશે.
શાસ્ત્રોમાં ભદ્રાકાળમાં ભાઈને રાખડી બાંધવાનું વર્જ્ય ગણવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ આ સમયમાં કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પરંતુ શું તમને ખબર છે કે આ ભદ્રા કોણ છે અને શા માટે ભદ્રાના ડરથી બહેનો પોતાના ભાઈને રાખડી નથી બાંધતી? ચાલો આજે તમને જણાવીએ…
વાત કરીએ ભદ્રા કાળની તો તે 19મી ઓગસ્ટની રાતે 2.21 કલાકથી બપોરે 1.30 કલાક સુધી રહેશે અને બપોરે 1.30 કલાક બાદ બહેનો ભાઈને રાખડી બાંધી શકશે. પરંતુ આ ભદ્રા કાળની રક્ષા બંધન પર કોઈ અસર જોવા નહીં મળે. આવો જોઈ કેમ? મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ભદ્રા રાશિ પ્રમાણે ત્રણેય લોકમાં ફરતી રહે છે. હાલમાં ચંદ્રમા મકર રાશિમાં બિરાજમાન છે અને ભદ્રાનો નિવાસ આ સમયે પાતાલ લોકમાં છે. આ જ કારણે ધરતી પરના કોઈ પણ શુભ કાર્ય વર્જ્ય નહીં ગણાય. જ્યારે ભદ્રા પૃથ્વી લોકમાં હોય છે ત્યારે જ તેની અસર જોવા મળે છે. બસ, આ જ કારણે આજે કોઈ પણ સમયે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી શકશે.
ખેર, આ તો થઈ વાત ભદ્રા કાળની પણ આખરે આ ભદ્રા છે કોણ કે જેના ભયથી કોઈ પણ શુભ કાર્ય કરવાનું વર્જ્ય માનવામાં આવ્યું છે, તો આ સવાલના જવાબમાં તમને જણાવવાનું કે ભદ્રાએ સૂર્યદેવની દીકરી અને ન્યાયના દેવતા શનિદેવની બહેન છે. શનિદેવની જેમ જ તેઓ પણ એકદમ ક્રુર છે. પૌરાણિક માન્યતા અનુસાર ભદ્રાનો શાબ્દિક અર્થ કલ્યાણ કરનારી છે અને આથી વિપરીત ભદ્રા કાળમાં શુભ કાર્ય વર્જિત છે. ભદ્રા કાળ ખૂબ જ અનિષ્ટકારી હોય છે. એવી માન્યતા છે કે પૃથ્વી લોકમાં ભદ્રા તમામ કાર્યનો વિનાશ કરે છે. રક્ષા બંધન પર ભદ્રાની અસર ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
એવું કહેવાય છે કે સપૂર્ણખાએ ભદ્રા કાળમાં જ રાવણને રાખડી બાંધી હતી. આ કારણે જ રામ અને રાવણનું યુદ્ધ થયું અને રાવણનું મૃત્યુ થયું. આ ઉપરાંત દ્રાપર યુગમાં દ્રૌપદીએ ભૂલથી આ જ કાળમાં ભાઈને રાખડી બાંધી હતી અને એ દિવસથી દ્રૌપદીનું સુખ ચેન ખોવાઈ ગયું હતું. દ્રૌપદીને ચિર હરણનું દુઃખ સહન કરવાનો વારો આવ્યો અને આ ઘટનાને કારણે જ કુરુક્ષેત્રના યુદ્ધના રૂપમાં થઈ હતી.
