…તો સાડા પાંચ કલાકમાં વંદે ભારત (20 કોચની) મુંબઈથી અમદાવાદ પહોંચશે
મુંબઈ અને અમદાવાદની વચ્ચે એક પછી એક પ્રીમિયમ અને હાઈ સ્પીડ ટ્રેન દોડાવવાની યોજના હાથ ધરવામાં આવી છે, જેમાં હવે મળી રહેલા નવા અહેવાલો પ્રમાણે મુંબઈ-અમદાવાદ-મુંબઈ એમ આ કોરિડોરમાં નવી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે. દેશના સૌથી વ્યસ્ત કોરિડોર પૈકીના મુંબઈ-અમદાવાદ વચ્ચેના કોરિડોરમાં હવે વંદે ભારત તો દોડાવાય છે, પરંતુ 20 કોચની ટ્રેન દોડાવવા માટે ટ્રાયલ પણ હાથ ધરવામાં આવી છે.
હવે વંદે ભારતની ટ્રાયલમાં 20 કોચની ટ્રેન મુંબઈથી અમદાવાદ સાડા પાંચ કલાકમાં પહોંચી હતી. 130 કિલોમીટરની ઝડપથી ટ્રેનનો ટ્રાયલ સફળ રહ્યો છે. ભારતીય રેલવે હવે વંદે ભારતને દેશના અલગ અલગ રાજ્યમાં વંદે ભારત ટ્રેન દોડાવી રહી છે, ત્યારે આ નવા વર્ઝનમાં ટ્રેનની સ્પીડ અને કોચ વધારીને વેઈટિંગ ટિકિટની ઝંઝટ પણ દૂર કરવાની યોજના ધરાવી રહી છે. અત્યાર સુધીમાં આઠથી 16 કોચની વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે, જે હવે 20 કોચ સાથે દોડાવવામાં આવશે. મુંબઈ-અમદાવાદ રુટ પર આ ટ્રાયલ રન પણ 130 કિલોમીટરની ઝડપથી દોડાવીને ટ્રાયલ પણ સફળ રહ્યો છે.
મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડાવનારી વંદે ભારત ટ્રેનની સ્પીડ કલાકના 130 કિલોમીટરની ઝડપની હશે, જે અમદાવાદથી વડોદરા, સુરત અને મુંબઈ સેન્ટ્રલ સ્ટોપ હશે. અત્યાર સુધી તો 16 કોચની દોડાવવામાં આવતી હતી, પરંતુ હવે 20 કોચને કારણે ડિમાન્ડમાં ઘટાડો થશે. અત્યાર સુધીની પ્રીમિયમ ટ્રેન વંદે ભારત, તેજસ એક્સપ્રેસ, દુરંતો સહિત અન્ય ટ્રેન પણ દોડાવાય છે, ત્યારે આ પ્રીમિયમ ટ્રેનને પણ 100 ટકા રિસ્પોન્સ મળે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ અગાઉ મુંબઈથી અમદાવાદ વચ્ચે પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પહેલી ઓક્ટોબર, 2022માં શરુ કરી હતી. પેસેન્જર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આઠમી માર્ચના મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે બીજી વંદે ભારત ટ્રેન શરુ કરી હતી. હવે 20 કોચની યોજના છે, જે વહેલી તકે શરુ કરવામાં આવશે. ટ્રાયલ રન વખતે વંદે ભારત ટ્રેનને અમદાવાદથી સવારે સાત વાગ્યે મુંબઈ રવાના કરવામાં આવી હતી, જે ટ્રેન બપોરે 12.21 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી.
હાલ દેશમાં 102 વંદે ભારત ટ્રેન દોડાવાય છે, જ્યારે મુંબઈથી અમદાવાદ કોરિડોરમાં પચાસથી વધુ ટ્રેનનો સમાવેશ થાય છે, જેમાં વંદે ભારતથી લઈને શતાબ્દી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. જોકે, હાલના તબક્કે 20 કોચની વંદે ભારત ટ્રેનના રુટ, સ્ટોપેજ, ભાડું નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ સંપૂર્ણ ટ્રાયલ સફળ રહ્યા પછી જાહેર કરવામાં આવશે.