મુંબઈ શેરબજારમાં હિંડનબર્ગની કેટલી ઈફેક્ટ થઈ, સેન્સેક્સ-નિફ્ટીના શું હાલ?
મુંબઈઃ હિંડનબર્ગ રિસર્ચે ટૂંક સમયમાં ભારતમાં કંઈ થવાની આગાહી વ્યક્ત કરી હતી, ત્યાર બાદ સેબીના વડા માધબી બુચનું અદાણી ગ્રુપ સાથેના કનેક્શન અંગે ગંભીર આરોપો મૂક્યા હતા, ત્યાર બાદ મુંબઈ શેરબજાર પર પણ તેની અસર જોવા મળી છે.
અમેરિકન શોર્ટ સેલરે સેબીના ચીફ માધબી બુચ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તાત્કાલિક સ્પષ્ટીકરણ આપ્યું હતું. સેબીના ચેરમેને પણ ગ્રુપ સાથે કોઈ કનેક્શન હોવાની વાતોને રદિયો આપ્યો હતો. હિંડનબર્ગના રિપોર્ટની રાજકીય અસર પણ જોવા મળી હતી, જેમાં કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓએ પણ સેબીના વડાનું રાજીનામું માગ્યું હતું.
હિંડનબર્ગના રિપોર્ટ પબ્લિશ થયા પછી આજે ખૂલતા શેરબજાર રેડ ઝોનમાં રહ્યું હતું. 30 શેરના મુંબઈ સ્ટોક એક્સેન્જના ઈન્ડેક્સ સેન્સેક્સ 200 પોઈન્ટથી લઈને આગળ 400 પોઈન્ટનું ધોવાણ થયું હતું, જેમાં અદાણી ગ્રુપના શેરમાં વેચવાલી નીકળી હતી. સેન્સેક્સ એક તબક્કે 0.37 ટકા ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સમાં પણ 0.35 ટકાનું ગાબડું નોંધાયું હતું, જે દસ વાગ્યાના સુમારે 410 પોઈન્ટ ઘટ્યો હતો.
માર્કેટ ઓપન થતા અદાણી ગ્રુપના મોટા ભાગના સ્ટોકમાં એકથી પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઓપન માર્કેટમાં અદાણી એન્ટરપ્રાઈઝનો શેર પાંચ ટકા તૂટ્યો હતો. ત્યાર બાદ અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી વિલ્મર, અદાણી ગ્રીન એનર્જી, અદાણી સિમેન્ટમાં જોરદાર ધોવાણ થયું હતું. એનાથી વિપરીત માર્કેટમાં જેએસડબ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, મારુતિ, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, સન ફાર્મા સહિત ઈન્ફોસીસમાં લેવાલી હતી. ઓટો અને બેંકિંગ શેર ગ્રીન ઝોનમાં હતા.
બીએસઈ ઈન્ડેક્સની વાત કરીએ તો શુક્રવારે માર્કેટ બંધ થયું ત્યારે સેન્સેક્સ 79,705.91 પોઈન્ટે રહ્યો હતો, જે આજે 79,330.12 પોઈન્ટે ખૂલ્યો હતો. ખૂલતા માર્કેટમાં ગાબડું પડ્યું હતું, જે ઘટીને છેક 79,226.13 પોઈન્ટે રહ્યો હતો. હાલ માર્કેટમાં મોટી વધઘટ નોંધાઈ રહી છે, જે સાંજ સુધીમાં મોટી હિલચાલ થઈ શકે એમ માર્કેટના નિષ્ણાતે જણાવ્યું હતું.