લીકર કેસમાં આખરે 17 મહિના પછી મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા…
નવી દિલ્હીઃ દિલ્હીમાં લીકર કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને 17 મહિના જેલમાં રહ્યા પછી કોર્ટે શરતી જામીન આપ્યા છે. લીકર કેસમાં આજે સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને જામીન આપીને સૌથી મોટી રાહત આપી છે, તેનાથી આમ આદમી પાર્ટી ((આપ)એ રાહતનો શ્વાસ લીધો છે.
દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા છેલ્લા દોઢ વર્ષથી જેલમાં છે. સીબીઆઈ-ઈડી જેવી કેન્દ્રીય એજન્સીએ તેમની સામે લીકર કેસમાં એફઆઈઆર સહિત અન્ય ગુના નોંધ્યા છે, જ્યારે તપાસ પણ ચાલી રહી છે ત્યારે શરતી જામીન આપીને સિસોદિયાને રાહત થઈ છે.
આ કેસના આદેશને જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેચે ત્રણ દિવસ પૂર્વે છઠ્ઠી ઓગસ્ટે સુરક્ષિત રાખ્યો હતો. મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈ કોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. દિલ્હી હાઈ કોર્ટે સિસોદિયાની જામીન અરજીને ફગાવી દીધી હતી.
મનીષ સિસોદિયાને જામીન આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે જામીનના કિસ્સામાં હાઈ કોર્ટ અને ટ્રાયલ કોર્ટ દ્વારા સિક્યોર આદેશ આપવામાં આવ્યા છે. સજાને કારણે જામીન પર ઈનકાર કરી શકાય નહીં. કોર્ટ પણ સમજે જામીનનો એક નિયમ છે અને જેલ એક અપવાદ છે.
સુપ્રીમ કોર્ટે સિસોદિયાને ત્રણ શરતે જામીન આપ્યા છે. સૌથી પહેલા સિસોદિયાને કોર્ટમાં 10 લાખ રુપિયાના બોન્ડ આપવા પડશે. એના સિવાય તેમને બે જામીનદાર રજૂ કરવાના રહેશે. ત્રીજી શરત એ છે કે તેઓ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરે.
અહીં એ જણાવવાનું કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પણ લીકર પોલિસી સહિત અન્ય કેસ મુદ્દે જેલમાં છે, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને મહિનાઓથી જેલમાં છે, જ્યારે તેમની તબિયત પણ નાજુક છે. હાલમાં સુપ્રીમ કોર્ટે તેમના શરતી જામીન આપ્યા હોવાથી પરિવાર અને પક્ષે રાહતનો શ્વાસ લીધો છે.
