આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભઃ ભોળા ભોલેનાથ ભજવા આટલું કરો તો કૃપા રહેશે
શ્રાવણ મહિનો હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર મહિના પૈકી એક છે, જે ભગવાન ભોળાનાથને સૌથી પ્રિય છે. આ મહિનો ભગવાન શિવજીને સમર્પિત છે, જે આ વખતે પાંચમી ઓગસ્ટથી શરુ થયો. ઉત્તર ભારતીયોમાં તો શ્રાવણ મહિનો શરુ થઈ ગયો, પરંતુ બીજી રીતે લોકો આજથી શ્રાવણ મહિનો શરુ થયો, જે બીજી સપ્ટેમ્બરના સોમવારે પૂરો થશે.
શ્રાવણ મહિનામાં ખાસ કરીને શિવપુરાણનો પાઠ કરવો ફાયદાકારક કહે છે, તેનાથી ભગવાન શિવના અપાર આશીર્વાદ મળે છે. શિવપુરાણની કથા પૂરી કર્યા પછી વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે ધન, અન્ન અને વસ્ત્ર વગેરે વસ્તુઓનું દાન કરવાથી લાભ થાય છે. ભગવાનના મંદિરમાં બિલીપત્ર યા દૂધનો અભિષેક કરવાથી લાભ થાય છે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે વ્રત રાખવાથી અને શિવ-પાર્વતીની પૂજી કરવાથી વ્યક્તિના તમામ દુઃખોમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે.
આ મહિના દરમિયાન 12 જ્યોતિર્લિંગના દર્શનનો પણ વિશેષ મહિમા છે. મહાકાલેશ્વર સહિત અન્ય જ્યોતિલિંગના દર્શન કરવાથી ભગવાનની વિશેષ કૃપા થાય છે. મધ્ય પ્રદેશ સ્થિત મહાકાલેશ્વરમાં ભગવાન શિવ મહાકાલના ભક્તોને અલગ અલગ રુપમાં દર્શન આપે છે.
આ મહિના દરમિયાન ભગવાન શિવજીના પત્ની પાર્વતી માતાની પણ પૂજા કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં કરવામાં આવેલા ભક્તિ-સાધનાનું પણ વિશેષ મહાત્મય છે. ભક્તો દ્વારા પૂરી શ્રદ્ધા અને સાચા મનથી ભોલેનાથ પૂજા કરવાથી ભક્તની મનોકામનાઓ પૂરી થાય છે.
પ્રાચીન માન્યતા અનુસાર શ્રાવણ મહિના દરમિયાન ભગવાન ભોળાનાથ કૈલાસ છોડીને પૃથ્વી પર આવે છે અને આ મહિનામાં દેવ એકાદશી તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાન ચાર મહિના દરમિયાન યોગ નિદ્રામાં સરી પડે છે, જ્યારે સૃષ્ટિનો કારભાર ભગવાન શિવ સંભાળે છે. અન્ય કોઈ નહીં પણ ભગવાન શિવની શા માટે પૂજા કરવામાં આવે છે એ સવાલ થાય તો ભોળાનાથને ભજવવાથી કૃપા થાય છે, પરંતુ ભોળાનાથને ભજવવા માટે અમુક વિધિ વિધાનનું પાલન કરવું પડે છે.
શ્રાવણ મહિના દરમિયાન ખાસ તો વાળા કે દાઢી કાપવામાં આવતી નથી તેમ જ મુંડન પણ કરવામાં આવતું નથી. અમુક લોકો નખ પણ કાપતા નથી તેમ જ દારુ-માંસાહારનો પણ ત્યાગ કરવામાં આવે છે. શક્ય એટલા શ્રાવણ મહિનામાં હિન્દુ ધર્મને ચુસ્ત અનુસરનારા લોકો દારુ-માંસાહારનો ત્યાગ કરે છે. શ્રાવણ મહિના દરમિયાન માદક દ્રવ્યો અને તામસિક પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી દૂર રહેવાનો પણ આગ્રહ રાખવામાં આવે છે. આ ઉપરાંત, જુગાર રમવાનું પણ ટાળવું જોઈએ.