જો નેતાઓ જ વેશ પલટો કરીને સુરક્ષા વ્યવસ્થામાં છીંડા પાડે તો… વિરોધ પક્ષે સુરક્ષાવ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ
મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા વેશ પલટો કરીને ગૃહ પ્રધાન અમિત શાહને મળવા દિલ્હી જવાના નિવેદન પર વિરોધ પક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કરીને મુખ્ય પ્રધાન સહિત બંને નાયબ મુખ્ય પ્રધાન સામે ગુનો નોંધવાની માંગણી પણ કરી હતી.
શિવસેનાના સંજય રાઉતે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વેશાંતર કરીને 10 વખત દેશના ગૃહ પ્રધાન અમિત શાહને મળવા દિલ્હીમાં બેઠકો કરી હોવાના નિવેદન બાદ મુંબઈ અને દિલ્હી જેવા દેક્ષના મહત્વના એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉપસ્થિત કર્યા હતા. એટલું જ નહીં તેમણે તો રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, બંને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ સામે ગુનો દાખલ કરવાની માંગણી પર કરી નાખી છે.
સંજય રાઉતે આ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મુંબઈ અને દિલ્હી જેવા મહત્વના એરપોર્ટ પર દેહના ગૃહ પ્રધાન અને રાજ્યના ગૃહ પ્રધાને ખુબ જ ગંદી રમત આદરી છે. તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે દેશ અને રાજ્યના નેતાઓ જ જો આ રીતે વેશપલટો કરીને કે બનાવટી આઈડી કાર્ડ પર પ્રવાસ કરે છે જેને કારણે દેશવિરોધી હિલચાલને પ્રોત્સાહન મળી શકે છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તો મૌલવીના વેશમાં ખોટા નામે દિલ્હીનો પ્રવાસ કર્યો હોવાની માહિતી મારી પાસે છે. આ પરથી ખ્યાલ આવે છે કે મુંબઈ અને દિલ્હી જેવા દેશના બંને મહત્વના એરપોર્ટ પર કયા સ્તરની સુરક્ષાવ્યવસ્થા છે?
એટલું જ નહીં પણ વેશ પલટો કરીને એક વ્યક્તિ દેશના ગૃહ પ્રધાન અમિત શાહને દિલ્હી મળવા પહોંચી જાય છે એ દેશની સુરક્ષા સાથે ચેડાં છે, એવો દાવો પણ રાઉતે કર્યો હતો.
દેશના નેતાઓ જ જો આ રીતે વેશ પલટો કરીને હવાઈ મુસાફરી કરતા હોય તો હવાઈ મુસાફરી કેટલી સુરક્ષિત છે એવો સવાલ પણ તેમણે ઉપસ્થિત કર્યો હતો. દાઉદ, ટાઈગર મેમણને પણ આવી જ તક આપવામાં આવી હતી કે એવો સવાલ પણ વિરોધ પક્ષ દ્વારા સરકારને કરવામાં આવ્યો છે.