ઉરણ હત્યાકાંડઃ 20 વર્ષની યુવતીની હત્યા કરનારો કર્ણાટકમાંથી ઝડપાયો
મુંબઈઃ ગયા અઠવાડિયા દરમિયાન ઉરણમાંથી 20 વર્ષની યુવતીનો મૃતદેહ મળવાના કિસ્સામાં આખરે મુંબઈ પોલીસે આરોપીને ઝડપી લીધો છે. મુંબઈ પોલીસે આરોપીની કર્ણાટકના ગુલબર્ગાથી ધરપકડ કરી છે. 20 વર્ષની યુવતીનો મૃતદેહ પોલીસને શનિવારે રેલવે સ્ટેશન નજીકથી મળ્યો હતો, ત્યારબાદ તેની ઓળખ અને પરિવારે આરોપી પર અનેક આરોપો મૂક્યા હતા. આ કેસમાં નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કલાકોની તપાસ પછી આરોપી દાઉદ શેખની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગુલબર્ગાના પહાડી વિસ્તાર શાહપુરમાંથી પકડવામાં આવ્યો હતો, ત્યારબાદ પોલીસ આરોપીને ઉરણ લાવી રહી છે.
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે 20 વર્ષની મહિલાની હત્યા મુદ્દે તપાસ કરવા સાત ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું, જ્યારે યુવતીની હત્યા કરીને રેલવે સ્ટેશન નજીક ફેંકી દેવામાં આવ્યો હતો. મૃતક યુવતીની ઓળખ યશશ્રી શિંદે (ઉરણ-નવી મુંબઈ) તરીકે કરવામાં આવી હતી, જ્યારે પરિવારે 2019માં એક વ્યક્તિએ વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને એનું વેર વાળવા માટે તેની હત્યા કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
શુક્રવારે બપોરે સાડા ત્રણથી સાડા ચાર વાગ્યાની વચ્ચે પીડિતાની હત્યા કરવામાં આવી હતી, જ્યારે તે પોતાના નવી મુંબઈ સ્થિત ઓફિસમાંથી અડધા દિવસની રજા પર ગઈ હતી. યશશ્રી શિંદેના પિતા સુરેન્દ્ર કુમારે દાઉદ શેખ નામના યુવક પર આરોપ મૂક્યો હતો. 2019થી પીડિતા આરોપીને ઓળખતી હતી, ત્યારબાદ તેના વિનયભંગના કિસ્સામાં આરોપીને જેલમાં પણ ધકેલવામાં આવ્યો હતો.
જોકે, જેલમાંથી છૂટયા પછી આરોપી તેના વતન કર્ણાટકમાં બસ ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. પોલીસે આ કેસમાં તપાસ કરતા પ્રાથમિક તબક્કે જણાવ્યું છે કે બંને જણ પહેલા રિલેશનશિપમાં હોઈ શકે છે અને બંને વચ્ચે ત્રીજી કોઈ વ્યક્તિ આવી હોવાથી આરોપીએ પગલું ભર્યું હોઈ શકે છે. હાલના તબક્કે પોલીસ લવ ટ્રાયન્ગલની પણ તપાસ કરી રહી છે. એકતરફી પ્રેમ હોવાની પણ પોલીસે શક્યતા વ્યક્ત કરી હતી. હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે એફઆઈઆરમાં પણ યોગ્ય કલમ ઉમેરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ અંગે પોલીસે જણાવ્યું છે કે ફોનના કોલ રેકોર્ડ પરથી જાણવા મળ્યું છે કે 22 જુલાઈના શેખ ઉરણમાં હતા, ત્યારબાદ 25 જુલાઈ સુધી તેનો ફોન સ્વિચ ઓફ હતો. સોશિયલ મીડિયા પરની પોસ્ટને લઈને દાઉદ શેખ ગુસ્સે ભરાયો હતો, ત્યારબાદ તેને યુવતી પર હુમલો કર્યો હતો, પરંતુ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે. હજુ આરોપીને નવી મુંબઈ લાવ્યા નથી.