July 1, 2025
ટોપ ન્યુઝ

કેરળમાં તબાહીઃ ભૂસ્ખલનને કારણે વાયનાડમાં સેંકડો દટાયા, એરફોર્સ તહેનાત

Spread the love

64,000 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા અને 738 રિલીફ કેમ્પ ખોલવામાં આવ્યા

વાયનાડઃ કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદ પછી ભીષણ ભૂસ્ખલનને કારણે સેંકડો લોકો દટાયા છે, જ્યારે આ બનાવને કારણે સ્થાનિક અને કેન્દ્રીય એજન્સી સાથે એર ફોર્સને મદદ માટે રવાના કરવામાં આવી છે. આ દુર્ઘટના વાયનાડ જિલ્લાના મેપ્પડી, મુંડક્કઈ અને ચુરલ માલામાં બની હોવાથી મોટી જાનહાનિના સમાચાર છે. આ બનાવ વહેલી સવારના ચાર વાગ્યાના સુમારે બન્યા હતો, જ્યારે એક પછી એક એમ ત્રણ વખત ભૂસ્ખલન થવાને કારણે અનેક લોકો તેમાં સપડાયા છે.
ભારે વરસાદ અને ભૂસ્ખલનના બનાવ પછી તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે રાતે ભારે વરસાદને કારણે મુંડક્કઈ ટાઉનમાં પહેલા ભૂસ્ખલન થયું હતું, જ્યાં બનાવ પછી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક શિબિર ચાલતી સ્કૂલ અને તેની આસપાસના વિસ્તારોના ઘરો-દુકાનમાં ભૂસ્ખલનનને કારણે કીચડ અને કાટમાળથી ભરાઈ ગયો હતો. હાલના તબક્કે બચાવ અભિયાન ચાલુ છે. 64,000 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે 738 રિલીફ કેમ્પ ખોલવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે.


પ્રાથમિક માહિતી મળ્યા પછી એર ફોર્સના એમઆઈ-17 અને એક એએલએચને રેસ્કયૂ ઓપરેશન માટે રવાના કરવામાં આવ્યા હતા. આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું હતું કે પીડિતોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને વેથિરી, કલપટ્ટા, મેપ્પડી અને મનનથાવાડી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે, એમ જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું.
કેરળના મુખ્ય પ્રધાન કાર્યાલય (સીએમઓ)એ જણાવ્યું છે કે બચાવ કામગીરી હાથ ધરવાની સાથે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, હવાઈ દળને પણ બચાવ કામગીરી માટે તહેનાત કવરામાં આવ્યું છે. વરસાદને કારણે વાયનાડમાં ભૂસ્ખલન થયું હતું. અસરગ્રસ્તોને મદદ માટે હેલ્થ ડિપાર્ટમેન્ટ, નેશનલ હેલ્થ મિશને કંટ્રોલ રુમ અને ઇમર્જન્સી મદદ માટે હેલ્પલાઈન પર જારી કરવામાં આવ્યા છે, એમ વધુમાં જણાવ્યું હતું.
કેરળ ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું હતું કે આ આપત્તિ પછી રાજ્યની ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, એનડીઆરએફની ટીમને તહેનાત કરવામાં આવી છે, જ્યારે બચાવ કામગીરી માટે કન્નુરા રક્ષા સુરક્ષા કોરની બે ટીમને પણ વાયનાડ મોકલવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લગભગ સેંકડો લોકો આ દુર્ઘટનામાં દટાયા હોવાની શંકા સેવાઈ રહી છે. સ્થાનિક અહેવાલો અનુસાર આ દુર્ઘટના મોડી રાતે ઘટી હતી, જેમાં 28 લોકોના મોતની આશંકા છે, પરંતુ જિલ્લા પ્રશાસન દ્વારા ચાર લોકોનું મોત થયું હોવાનું કહ્યું છે.
આ દુર્ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું હતું તથા અસરગ્રસ્તોને તાકીદે સહાય પૂરી પાડવા માટે તંત્રને તાકીદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!