હાવડા-મુંબઈ મેલના 18 કોચ ટ્રેક પરથી ખડી પડ્યા, સેંકડો ઘાયલ
સરાયકેલાઃ ઝારખંડના સરાયકેલા-ખરસાવા જિલ્લામાં આજે સવારે હાવડા-મુંબઈ ટ્રેન પાટા પરથી ઉતરી. હાવડા-સીએસએમટી મેલ (12810)ના 18 કોચ પાટા પરથી ઉતરવાના કિસ્સામાં અનેક લોકોને ઈજા પહોંચી છે, જ્યારે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ઘટનાસ્થળે સારવાર કરવામાં આવ્યા પછી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના જમશેદપુરથી લગભગ 80 કિલોમીટર દૂરના બડાબાંસ નજીક આજે વહેલી 3.45 વાગ્યાના સુમારે બની હતી. બડાબાંસથી મુંબઈ-હાવડા મેલના 22માંથી અઢાર કોચ પાટા પરથી ઉતરી ગયા, જેમાં 16 કોચ હતા અને એક પેન્ટ્રી, જ્યારે એક પાવર કાર હતી. ટ્રેન પાટા પરથી ઉતરી જવાના કિસ્સા પછી રેલવે પ્રશાસન દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે અસરગ્રસ્ત પ્રવાસીઓને નજીકના સ્ટેશનથી અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
આ બનાવ સરાયકેલા-ખરસાવા જિલ્લાના ખરસાવા સેક્શનના પોટોબેડામાં બની હતી. આ બનાવની આસપાસના સમયગાળા દરમિયાન એક ગૂડ્સ ટ્રેન પર પાટા પરથી ઉતરી હોવાના સમાચાર છે, પરંતુ એનો સમય સ્પષ્ટ થઈ શક્યો નથી. આ અકસ્માત પછી રિલીફ ટ્રેન અને જિલ્લા પ્રશાસન દ્વારા એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી છે, જ્યારે રેલવે દ્વારા હેલ્પલાઈન પણ જારી કરવામાં આવી છે. આ અકસ્માતને કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે તેમ જ યુદ્ધના ધોરણે ટ્રેક પરથી ટ્રેનને હટાવવાની કામગીરી ચાલુ છે.
રિપોર્ટસ અનુસાર હાવડાથી મુંબઈ આવનારી હાવડા-મુંબઈ મેલ સોમવારે રાતે 11.02 વાગ્ાયના બદલે 2.37 વાગ્યે ટાટાનગર પહોંચી હતી અને બે મિનિટના સ્ટોપેજ પછી ચક્રધરપુર માટે રવાના થઈ હતી, પરંતુ આ ટ્રેનને આગામી સ્ટેશને અકસ્માતનો શિકાર થઈ. આ અકસ્માતો એટલો ભીષણ હતો કે ટ્રેનના અનેક કોચ એકબીજા પર ચઢી ગયા હતા અને સ્પીડ હોવાને કારણે ઊંધા પણ વળી ગયા હતા. આ અકસ્માતમાં બે જણનાં મોત થયા છે, જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે મૃતકની સંખ્યા વધી શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ભારતીય રેલવેમાં નિરંતર અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં જાનહાનિનું પ્રમાણ વધી રહ્યું છે, જે રેલવે સેફ્ટી માટે ગંભીર સવાલ ઊભા કરી રહ્યા છે. આ મુદ્દે વારંવાર વિપક્ષો દ્વારા પ્રહારો કરવામાં આવતા હોવા છતાં તેના અંગે બેદરકારી દાખવવામાં આવી રહી છે.
