Donald Trump Attacked: ટ્રમ્પ પર હુમલો કરનાર કોણ છે?
પેન્સિલવેનિયાઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણીની રેલી વખતે અજાણ્યા શખસ દ્વારા ફાયરિંગ કર્યું હતું. આ બનાવમાં ડોનાલ્ડ ટ્રમ્પ લોહીલુહાણ થવાની સાથે અન્ય લોકોને પણ ઈજા પહોંચી હતી. ફાયરિંગના બનાવ પછી ચૂંટણી રેલીમાં ઉપસ્થિત લોકોમાં અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. ફાયરિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પનો કાન વિંધાઈ ગયો હતો, પરંતુ બે સેન્ટિમીટર જો અંદરની બાજુ આવી હો તો જીવ ગુમાવ્યો હોત, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
હુમલા પછી પણ ટ્રમ્પે કહ્યું હતું કે હું સરેન્ડ નહીં કરું પણ ચૂંટણી પ્રચાર કરવાનું ચાલુ રાખીશ. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલામાં તેમના કાનને ઈજા પહોંચી, જેમાં લોહીલુહાણ થઈ ગયા હતા. સિક્રેટ સર્વિસ એજન્ટે મંચ પર ટ્રમ્પને ઘેરી લઈને બચાવી લીધા. જોકે, હુમલાખોરને ઓળખ થઈ ગઈ છે. એફઆઈઆઈએ કહ્યું છે કે હુમલાખોરની ઓળખ થોમસ મેથ્યુ ક્રુક (ઉંમર 20) તરીકે કરી છે. ફાયરિંગ પછી તાત્કાલિક સ્નાઈપરે ફાયરિંગ કરીને તેને મારી નાખ્યો હતો.
મળતા અહેવાલ અનુસાર થોમસ મેથ્યુએ ચૂંટણી રેલીથી દૂરના એક પ્લાન્ટ પરની ઊંચી જગ્યાએ જઈને ફાયરિંગ કર્યું હતું. હુમલાખોર થોમસ પેન્સિલવેનિયાના બેથેલ પાર્કનો રહેવાસી છે. હુમલાખોરે ટ્રમ્પના બટલર ગ્રાઉન્ડથી લગભગ 130 પગલા દૂરથી પોઝિશન લીધી હતી. ગોળીબાર પછી સિક્રેટ સર્વિસના સ્નાઈપરે ટાર્ગેટને જોઈને ફાયરિંગમાં મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બનાવ પછી હુમલાની જગ્યાએથી એઆર સ્ટાઈલ રાઈફલ મળી આવી હતી. ટ્રમ્પ પર શા માટે હુમલો કર્યો તેના અંગે નક્કર માહિતી મળી નથી અને તપાસ ચાલુ હોવાનું એફબીઆઈના અધિકારીએ જણાવ્યું હતું.
ફાયરિંગનો ભોગ બનાનારા ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા નેતા નથી, અગાઉ…
અમેરિકાના ઈતિહાસમાં અગાઉ અનેક વખત પૂર્વ રાષ્ટ્રપતિ પર જીવલેણ હુમલા કરવામાં આવ્યા છે. અબ્રાહમ લિંકનથી લઈને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અમુક રાષ્ટ્રપતિનું નિધન થયું હતું. અમેરિકન સુરક્ષા પ્રશાસન પર ગંભીર સવાલો કરવામાં આવી રહ્યા છે. 1835માં પહેલી વખત તત્કાલીન રાષ્ટ્રપતિ એન્ડ્રયુ જેક્સન પર હુમલો કરવામાં આવ્યો હતો. જેક્સન પરના હુમલો મિસ ફાયર થયું હતું, ત્યારબાદ 1865માં વોશિંગ્ટન ડીસીમાં એક નાટકના કલાકાર જોન વિલક્સ બુથે રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન પર હુમલો કર્યો હતો. હુમલાના 12 કલાક પછી લિંકનનું નિધન થયું હતું. લિંકન પછી 1881માં જેમ્સ ગારફિલ્ડ, 1901માં વિલિયમ મેકકિનલે (હુમલાના એક સપ્તાહ પછી નિધન), જોન ઓફ કેનેડી (ડલાસની રેલીમાં સોવિયત સંઘ સમર્થક ઓસવાલ્ડે હુમલો કર્યો હતો), 1912માં પૂર્વ રાષ્ટ્રપતિ થિયોડોર રુઝવેલ્ટ (હુમલામાં બચી ગયા હતા), 1933માં ફ્રેન્કલીન ડી. રુઝવેલ્ટ, રોનાલ્ડ રેગન (1981), જ્યોર્જ ડબલ્યુ બુશ (2005) પર હુમલો કર્યો હતો.