મધ્ય રેલવે પર મંગળવારે પણ ટ્રેનોના ધાંધિયા…
ધસારાના સમયે ટ્રેનો મોડી પડતાં પ્રવાસીઓ અટવાયા, બપોરે પણ 30થી 35 મિનિટ મોડી દોડી લોકલ
મુંબઈ: છેલ્લાં ત્રણ દિવસથી ખોરવાયેલું મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર (Central Railway Local Train Service Disrupted) મંગળવારે પણ ખાસ કંઈ પાટે ચઢી હોય એવું લાગતું નહોતું અઠવાડિયાના બીજા દિવસે પણ લોકલ ટ્રેનોનો વેગ મંદ પડતા સવારે ધસારાના સમયે પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને મહત્વના સ્ટેશનો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મંગળવારે સવારથી જ મધ્ય રેલવે પર લોકલ ટ્રેનો 25થી 30 મિનિટ મોડી દોડી રહી હતી, જેને કારણે ઓફિસ જવા નીકળેલાં મુંબઈગરાઓને ધસારાના સમયે મુશ્કેલી પડી હતી. સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડ એકઠી થઈ ગઈ હતી.
મંગળવારે બપોરે 12 વાગ્યા પછી સીએસએમટી જઈ રહેલી અપ લોકલ ટ્રેનો બે સ્ટેશનો વચ્ચે અટવાઈ પડી હતી અને લોકલ ટ્રેનો થાણે, મુલુંડ અને ભાંડુપ સ્ટેશનો પર 30થી 35 મિનિટ મોડી પહોંચી રહી હોવાની ફરિયાદ પણ પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી હતી.
રવિવારે મેગા બ્લોક અને સોમવારે મુંબઈ સહિત આસપાસના વિસ્તારમાં પડેલા મુશળધાર વરસાદને કારણે લોકલ ટ્રેનો ખોરવાઈ હતી, જ્યારે મંગળવારે વરસાદ કે કોઈપણ પ્રકારની ટેક્નિકલ ખામી મધ્ય રેલવે પર નહોતી જોવા મળી એવી માહિતી મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
વરસાદ કે કોઈ પણ ટેકનિકલ ફેઇલ્યોર ન હોવા છતાં પણ લોકલ ટ્રેનો મોડી પડતાં પ્રવાસીઓમાં રેલવેના રેઢિયાળ કારભારને લઈને રોષ વ્યકત કરાઇ રહ્યો છે.