Worli Hit And Run Case: મુંબઈ પોલીસે કરી બે દિવસ બાદ મિહિર શાહની ધરપકડ
મુંબઈ: મુંબઈના વરલી ખાતે થયેલા હિટ એન્ડ રન કેસ (Worli Hit And Run Case) માં મહત્વની માહિતી સામે આવી રહી છે. આ કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર મુંબઈ પોલીસે આ કેસના મુખ્ય આરોપી મિહિર શાહની બે દિવસ બાદ વિરાર ખાતેથી ધરપકડ કરી છે. આવતીકાલે શિવડી કોર્ટમાં હાજર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક્સિડન્ટ બાદથી જ મિહિર શાહ ફરાર થઈ ગયો હતો અને પોલીસે આ કેસમાં મિહિર શાહ માટે લુક આઉટ નોટિસ પણ જાહેર કરી હતી. આજે બે દિવસ બાદ મુંબઈ પોલીસે વિરાર ખાતેથી મિહિર શાહની ધરપકડ કરી છે. પોલીસે મિહિરની સાથે સાથે તેની બહેન અને માતાની પણ ધરપકડ કરી છે.
મિહિર શાહ આ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શાહને મદદ કરનારા અન્ય 12 જણની પણ ધરપકડ કરવામાં આવી છે અને આવતીકાલે શિવડી કોર્ટમાં મિહિરને હાજર કરવામાં આવશે એવી માહિતી પણ સૂત્રો દ્વારા મળી રહી છે.
મુખ્ય આરોપી મિહિરની શાહ પલઘરના શિવસેનાના શિંદે જૂથના ઉપનેતા રાજેશ શાહનો દીકરો છે. 7મી જૂલાઈના દારૂના નશામાં ધૂત થઈને મિહિરે વરલી કોલીવાડા ખાતે વહેલી સવારે એક ટુ વ્હીલરને અડફેટે લીધી હતી. ઈજાગ્રસ્ત નાખવા દંપતીને મદદ કરવાને બદલે મિહિર કાવેરી નાખવાને કાર સાથે ઘસડીને લઈ ગયો હતો, જેમાં ઘટનાસ્થળે જ કાવેરી નાખવાનું નિધન થયું હતુ જ્યારે તેમના પતિ પ્રદીપ નાખવાને ઈજા પહોંચી હતી.
પ્રદીપ નાખવા અને કાવેરી નાખવા વરલીના કોલીવાડા ખાતે રહે છે અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. રવિવારે જ્યારે તેઓ સાસુન ડોક પરથી માછલી ખરીદીને પાછા ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બીએમડબલ્યુએ સ્કૂટરને મારેલી ટક્કર એટલી ભીષણ હતી કે બંને જણ હવામાં ફંગોળાયા હતા અને ત્યાર બાદમાં મિહિરે તેમની મદદ કરવાને બદલે કાવેરી નાખવાને કાર સાથે થોડે દુર સુધી ઘસડીને લઈ ગયો હતો. પ્રદીપ અને કાવેરી જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે ડોકટરોએ કવેરીને મૃત જાહેર કરી હતી.