July 1, 2025
ટોપ ન્યુઝ

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

Spread the love

નવી દિલ્હીઃ પૂર્વ નાયબ વડા પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડવાને કારણે દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉંમર સંબંધિત વિવિધ સમસ્યાને કારણે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અડવાણી 97 વર્ષના છે.
પાટનગરની એઈમ્સ હોસ્પિટલના જિરિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ડોક્ટરની ટીમ દ્વારા દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં અડવાણીના આરોગ્ય સંબંધિત લેટેસ્ટ સમાચાર મળ્યા નથી. એઈમ્સના ડોક્ટર અને મેડિકલ નિષ્ણાત દ્વારા અડવાણીના આરોગ્ય સંબંધમાં લેટેસ્ટ બુલિટેન જાહેર કરી શકાય છે.
અહીં એ જણાવવાનું કે આ વર્ષે ભાજપના વરિષ્ઠ નેતા એલકે અડવાણીને ભારત સરકાર તરફથી દેશના સર્વોચ્ચ નાગરિકનું સન્માન એટલે ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ એલકે અડવાણીના નિવાસસ્થાને જઈને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. એ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને પૂર્વ રાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુ ઉપસ્થિત રહ્યા હતા. અડવાણીની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેમના નિવાસસ્થાને જઈને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોણ છે એલકે અડવાણી?
લાલકૃષ્ણ અડવાણીનો જન્મ આઠમી નવેમ્બર 1927ના પાકિસ્તાનના કરાચીમાં થયો હતો. એક ઈન્ટરવ્યૂમાં અડવાણીએ કહ્યું હતું કે 12 સપ્ટેમ્બર 1947ના પાકિસ્તાન છોડીને ભારત આવ્યા હતા. એના એક મહિના પછી પરિવાર પાકિસ્તાનથી ભારત આવ્યો હતો. પરિવારમાં એક દીકરી પ્રતિભા અડવાણી અને એક દીકરો જયંત અડવાણી છે. સૌથી મોટી વાત એ છે કે અડવાણીનો પરિવાર રાજકારણથી તદ્ન દૂર છે. 1970માં અડવાણી રાજ્યસભાના પહેલી વખત સાંસદ બન્યા હતા. સાત વખત લોકસભાના સાંસદ અને ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.
લાલકૃષ્ણ અડવાણી ભાજપનો સ્તંભ ગણાય છે. રામ મંદિરના આંદોલનને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં અડવાણીનું પ્રદાન વિશેષ ગણાય છે. રાજકીય કારકિર્દી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) દ્વારા શરુ કરી હતી. ભારતીય જનતા પાર્ટીના પાયો નાખનારા નેતામાં અડવાણીની ગણતરી કરવામાં આવે છે.1986માં પહેલી વખત અડવાણી પાર્ટીના પ્રમુખ બન્યા હતા. એના પછી 1993માં પાર્ટીના અધ્યક્ષ બન્યા પછી 1998 સુધી આ પદે રહ્યા હતા. 2004માં છેલ્લી વખત પ્રમુખ તરીકે વરણી કરવામાં આવ્યા પછી 2005 સુધી રહ્યા હતા.
પચાસ વર્ષથી વધુ વર્ષોની રાજકીય કારકિર્દીમાં અડવાણી 1998માં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારમાં ગૃહ પ્રધાન બન્યા હતા. અટલ બિહારી વાજપેયીની સરકારમાં ગૃહ પ્રધાન હતા અને ત્યારબાદ 2002માં દેશના નાયબ વડા પ્રધાન હતા. એના પછી એનડીએની સરકાર સત્તામાંથી પતન થયા પછી ગૃહમાં વિપક્ષના નેતા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!