બુલઢાણામાં પુરાતત્ત્વ વિભાગને વિષ્ણુ ભગવાનની પ્રાચીન મૂર્તિ મળી
બુલઢાણાઃ અહીંના જિલ્લાના સિંદખેડ રાજા શહેરમાં પુરાતત્ત્વ વિભાગ (એએસઆઈ) તરફથી કરાયેલા ખોદકામ દરમિયાન શેષશાયી વિષ્ણુ ભગવાનની એક વિશાળ મૂર્તિ મળી આવી હતી. આટલી મોટી મૂર્તિ મળી આવ્યા પછી પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓ દંગ રહી ગયા હતા. 2.25 મીટરના ખોદકામ દરમિયાન વિશાળ પ્રતિમા મળી હતી. આ અંગે પુરાતત્ત્વ વિભાગના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે નિષ્ણાત લોકોની ટીમ દ્વારા ખોદકામ કરવાનું કામ ચાલુ હતું. છતરીના સંરક્ષણ કામ વખતે જમીનમાં એક પથ્થર જેવું લાગ્યું એના પછી ખોદકામ કરતી વખતે મંદિરના પાયા સુધી પહોંચ્યા હતા. મંદિરના સભામંડપ મળ્યા પછી વધુ ખોદકામ કરવામાં આવ્યું હતું એ વખતે અમને લક્ષ્મીમાતાની એક મૂર્તિ મળી હતી. એના પછી વધુ ખોદકામ કર્યું તો વિષ્ણુ ભગવાનની મૂર્તિ મળી હતી. વિષ્ણુ ભગવાનની મૂર્તિ 1.70 મીટર લાંબી અને એક મીટર જેટલી ઊંચી હતી. મૂર્તિનો ઘેરાવો 30 સેન્ટિમીટરનો છે.
આ અંગે અધિકારીએ મૂર્તિ અંગે વધુમાં જણાવતા કહ્યું કે આ મૂર્તિ ક્લોરાઈટ શિસ્ટ પથ્થરમાંથી (chlorite schist rock) બનેલી છે. આ મૂર્તિઓ દક્ષિણ ભારત (હોયસલા રાજવંશ)માં બનાવવામાં આવતી હતી. ભગવાન વિષ્ણુ શેષનાગ પર સૂતા છે, જ્યારે દેવી લક્ષ્મીજી એમના પગ દબાવી રહ્યા છે. આ મૂર્તિ સમુદ્ર મંથનનો છે.
મૂર્તિની ખાસ વિશેષતા એ છે કે દશાવતાર, સમુદ્ર મંથન અને વિષ્ણુ ભગવાનના નકશી કામ જોવા મળે છે. મૂર્તિની બીજી વિશેષતા એ છે કે મૂર્તિ માટે વાપરવામાં આવેલો પથ્થર એક રીતે નરમ પણ છે, જેને સ્થાનિક લોકો બેસાલ્ટ રોક પણ કહે છે. આવી મૂર્તિઓ દક્ષિણ ભારત સિવાય મરાઠવાડામાં પણ મળે છે. મરાઠવાડામાં મળતી મૂર્તિઓ બેસાલ્ટ પથ્થરોમાંથી મળે છે. આ મૂર્તિ મળ્યા પછી આગામી વર્ષોમાં મહારાષ્ટ્રનું એક મ્યુઝિયમ બનાવવામાં આવશે તો આ મૂર્તિને ત્યાં સ્થાપિત કરવામાં આવશે.