અદાણીની આગેકૂચઃ સિમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં નંબર 1 બનવા ગ્રુપની શું છે યોજના?
મુંબઈઃ અદાણી ગ્રુપ દેશની સિમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લે અદાણી ગ્રુપે મહત્ત્વની સિમેન્ટ કંપનીની ખરીદી કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર અદાણી ગ્રુપ આગામી દિવસોમાં વધુ સિમેન્ટ કંપની ખરીદશે તેમ જ એના માટે ત્રણ અબજ ફંડ તૈયાર કરી રહી છે. ફંડ તૈયાર કરવાનો ઉદ્દેશ પણ ગ્રુપ સિમેન્ટ સેક્ટરમાં નંબર વન કંપની બનાવવાનો છે.
આ અગાઉ અદાણી ગ્રુપે અંબુજા સિમેન્ટમાં મોટો હિસ્સો ખરીદ્યો હતો. ત્યાર બાદ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ, વેદરાજ સિમેન્ટ અને જયપ્રકાશ એસોસિયેટસની સિમેન્ટ ફેકટરી ખરીદી શકે છે. અંબુજા સિમેન્ટમાં અગાઉ મહત્તમ હિસ્સો ખરીદવામાં આવ્યા પછી હજુ પણ બીજો હિસ્સો અદાણી ખરીદી શકે છે. માર્કેટમાં અંબુજા સિમેન્ટના શેર માટે લેવાલીના સંકેતો પણ આપવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે અંબુજા સિમેન્ટનો ભાવ 659ની આસપાસ રહ્યો હતો, જે 14મી જૂનના 690 રુપિયાના ઐતિહાસિક મથાળે હતો. આ અગાઉ અંબુજા સિમેન્ટે માર્કેટ નિયામકને જણાવ્યું હતું કે પેના સિમેન્ટના અધિગ્રહણ માટે 10,400 કરોડના કોન્ટ્રાક્ટ કર્યા હતા.
અંબુજા સિમેન્ટની પેના સાથેની ડિલ ચાર મહિનામાં પૂરી થવાની અપેક્ષા છે. પેનાની સિમેન્ટ ઉત્પાદનની ક્ષમતા 1 કરોડ ટનની છે, જેમાં 90 ટકા આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં છે. પેના તરફથી આગામી દિવસોમાં રાજસ્થાનમાં નવો પ્લાન્ટ શરુ કરવામાં આવશે, જ્યાં સિમેન્ટને ગ્રાઈન્ડ અને તૈયાર કરવાનું કામકાજ થશે. આ ફેક્ટરીમાં દરવર્ષે 40 લાખ ટન સિમેન્ટને ગ્રાઈન્ડ કરવાની ક્ષમતા હશે.
અહીં એ જણાવવાનું કે અંબુજા સિમેન્ટ દેશ આખામાં બિઝનેસ કરે છે, પરંતુ દક્ષિણ ભારતમાં તેનું યોગદાન ઓછું છે. પેના ખરીદવાથી અંબુજા સિમેન્ટને ભારતમાં પોતાના યોગદાનને વધારવામાં વિશેષ મદદ મલશે.
કંપનીના ટાર્ગેટ પ્રમાણે નાણાકીય વર્ષ 2027 સુધીમાં સિમેન્ટનું ઉત્પાદન વધારીને 2 કરોડ ટન સુધી પહોંચાડવાની અપેક્ષા છે. ઉત્પાદન ક્ષમતામાં વધારાથી દેશના સિમેન્ટ ઉત્પાદનના હિસ્સામાં પણ વધારો થશે.પેનાને હસ્તગત કરવામાં આવ્યા પછી અંબુજા સિમેન્ટનું માર્કેટ ટોચની ત્રણ કંપનીમાં સામેલ થશે. એના સિવાય આ કરારને કારણે દેશમાં અગ્રણી માર્કેટ ભાગીદારીવાળી કંપનીના રુપે આ ગ્રુપ વધુ મજબૂત સ્થિતિમાં આવશે.
જોકે, દેશની મોટી સિમેન્ટ કંપનીનો હિસ્સો વધવાને કારણે નાની કંપનીને નુકસાન થઈ શકે છે. નાની કંપનીઓને પણ મર્જર કરીને મોટી કંપની બનાવવાની નોબત આવી શકે છે. અંબુજા સિમેન્ટ નિરંતર પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવાની કોશિશ કરી રહ્યું છે. કંપનીની હાલમાં 7.89 લાખ ટનની ઉત્પાદન ક્ષમતા છે, જે 2028 સુધીમાં વધીને વર્ષે 1.40 કરોડ ટનની સપાટીએ પહોંચશે. નિર્ધારિત ટાર્ગેટને પાર પાડવા માટે કંપની દેશભરમાં અલગ અલગ જગ્યાએ નવી ફેક્ટરી બનાવવાની યોજના છે. 2026 સુધીમાં તો કંપનીની ક્ષમતા 10 કરોડ ટનની યોજના છે.