દરરોજ આ કારણે 400થી વધુ બાળકોના મૃત્યુ થાય છે, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો…
નવી દિલ્હી: સ્ટેટ ઓફ ગ્લોબલ એર દ્વારા 2024માં એક ચોંકાવનારો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે અને આ રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ભારતમાં વાયુ પ્રદૂષણને કારણે દરરોજ 464 બાળકોના મૃત્યુ થાય છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર હવામાં જોવા મળતા PM2.5 નામના નાના નાના કણ ફેફસામાં જતા રહે છે અને એ જ ભારતમાં વાયુ પ્રદુષણને કારણે થતાં મૃત્યુનું પ્રમુખ કારણ છે.
આ કણને કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક, ફેફસાનું કેન્સર તેમ જ શ્વસન સંબંધિત બીમારીઓ થવાનું જોખમ પણ રહેલું છે. વાયુ પ્રદૂષણને કારણે જીવ ગુમાવનારા બાળકોમાં પાંચ વર્ષથી નીચેના બાળકોની સંખ્યા સૌથી વધારે છે. સંશોધનમાં જાણવા મળેલી બીજી ચોંકાવનારી માહિતી અનુસાર વાયુ પ્રદૂષણએ મૃત્યુના પ્રમુખ કારણોમાંથી જેમનો સમાવેશ થાય છે એવા તંબાકુ અને ડાયાબિટીસ જેવા કારણોને પણ પાછળ મૂકી દીધા છે.
રિપોર્ટ અનુસાર દિલ્હી, કોલકતા, મુંબઈ, ચેન્નઈ અને બેંગ્લોર જેવા મોટા શહેરોમાં વાયુ પ્રદૂષણનું સ્તર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Organisation- WHO) દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદા કરતાં અનેકગણું વધારે છે અને આ જ બાબત બાળકો માટે આ શહેરોને વધારે જીવલેણ બનાવે છે.
રિપોર્ટ અનુસાર વાયુ પ્રદૂષણ સબંધિત બીમારીઓ અને રોગને કારણે 2021માં આખી દુનિયામાં 8.1 મિલિયન લોકોનો ભોગ લીધો હતો અને વાયુ પ્રદૂષણને કારણે થયેલા ચારમાંથી એક મૃત્યુ ભારતમાં થયું હતું.
યુનિસેફ દ્વારા પહેલી જ વખત તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટ અનુસાર પાંચ વર્ષથી નાની વયના બાળકો ખૂબ જ સંવેદનશીલ હોય છે. એમાં પણ ખાસ કરીને એવા બાળકો કે જેમનું વજન જન્મ સમયે ઓછું હતું કે અસ્થમા અને ફેફસા સંબંધિત બીમારીઓનો શિકાર બન્યા હોય એમના પર મૃત્યુનું જોખમ વધારે રહેલું છે.