ધસારાના સમયે મેઘરાજાએ મધ્ય રેલવે પર ખોરવ્યો ટ્રેન વ્યવહાર, પ્રવાસીઓ પરેશાન
મુંબઈ: મુંબઈના અનેક વિસ્તારોમાં ગુરૂવારે સવારથી જ મેઘરાજાએ જોરદાર હાજરી પુરાવી હતી. લાંબા સમયથી મુંબઈગરા ગરમી અને ઉકળાટથી પરેશાન થઈ ગયા હતા પરંતુ આજે સવારથી જ મુશળધાર વરસાદને કારણે વાતાવરણમાં સરસમજાની ઠંડક ફેલાઈ ગઈ હતી. પરંતુ ગરમીથી રાહત મળતાં મુંબઈગરાને લાઈફલાઇન ગણાતી લોકલ ટ્રેનોએ દગો આપ્યો હતો.
મધ્ય રેલવે પર ધસારાના સમયે ટ્રેનો મોડી પડતાં પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડી હતી.
મળી રહેલી માહિતી પ્રમાણે મધ્ય રેલવે પર દિવા નજીક પડી રહેલા મુશળધાર વરસાદને કારણે થાણે કલ્યાણ વચ્ચે લોકલ ટ્રેનની સ્પીડને બ્રેક લાગી ગઈ છે. જેને કારણે સવારે ધસારાના સમયે લોકલ ટ્રેનો 15થી 20 મિનિટ મોડી દોડી રહી છે. ટ્રેનો મોડી પડવાને કારણે મધ્ય રેલવેના મહત્વના પ્લેટફોર્મ પર પ્રવાસીઓને ભીડ જોવા મળી હોવાની માહિતી પણ સામે આવી રહી છે.
મધ્ય રેલવે દ્વારા આ અંગે માહિતી આપતાં જણાવવામાં આવ્યું હતું કે મુશળધાર વરસાદને કારણે મધ્ય રેલવે પર ટ્રેનો 10થી 15 મિનિટ મોડી દોડી રહી છે. જોકે હજી સુધી કોઈ પણ જગ્યાએ રેલવે ટ્રેક પર પાણી ભરાવવાની માહિતી નથી મળી રહી. પીક અવર્સમાં ટ્રેનો લેટ થતાં પ્રવાસીઓને થોડી મુશ્કેલી પડી રહી હોવાનું પણ રેલવે પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું.
જોકે, મધ્ય રેલવે પર ટ્રેનો મોડી પડવી એ પ્રવાસીઓ માટે કોઈ નવી વાત નથી.
દરરોજ વિવિધ કારણોસર મધ્ય રેલવે પર ટ્રેનો 15થી 20 મિનિટ મોડી પડતી જ હોય છે, એટલે પ્રવાસીઓને આ હાલાકીની આદત પડી ગઈ છે. સીએસએમટી ખાતે નવી ઈલેકટ્રોનિક ઇન્ટર લોકિંગ સિગ્નલ સિસ્ટમ બેસાડવામાં આવી છે અને એ સમયે એવી આશા સેવાઈ રહી હતી કે હવે મધ્ય રેલવે પર લોકલ ટ્રેનો ઓન ટાઈમ દોડશે, પણ પ્રવાસીઓની એ અપેક્ષા પર પણ પાણી ફરી વળ્યું છે, એવી ફરિયાદ પ્રવાસીઓ દ્વારા કરાઈ રહી છે.
દરમિયાન મધ્ય રેલવેની મેઈન લાઈન સાથે હાર્બર લાઈનમાં ટ્રેનસેવા પર બ્રેક મૂકાઈ હતી. આ ઉપરાંત, પશ્ચિમ રેલવેમાં દહાણુ રોડ અને વિરાર વચ્ચે ટ્રેનસેવા પર અસર પડી હતી. ભારે વરસાદને કારણે વાપી-વલસાડ-મુંબઈ વચ્ચેની ટ્રેનો મોડી દોડી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.