સતર્ક ટ્રેનના ડ્રાઈવરે 10 સિંહને બચાવી લીધા…
રાજકોટઃ ભારતીય રેલવેમાં સોમવારે બે અકસ્માત સર્જાયા હતા, જેમાં એક પશ્ચિમ બંગાળમાં એક ટ્રેક પર બે ટ્રેનના અકસ્માતમાં મોટી જાનહાનિ થઈ હતી. બીજો એક બનાવ ગુજરાતમાં બન્યો હતો, જેમાં ટ્રેનના ડ્રાઈવર (લોકો પાઈલટ)ની સતર્કતાને કારણે દસ સિંહના જીવ બચાવી લેવામાં આવતા સરકારે રાહતનો શ્વાસ લીધો હતો.
અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ નજીક ગૂડસ ટ્રેનના લોકો પાઈલટે રેલવે ટ્રેક પર દસેક સિંહને જોતા સત્વરે ઈમર્જન્સી બ્રેક મારીને સાવજના જીવ બચાવી લેવાની કામગીરી કરી હતી. આ બનાવ અંગેની જાણકારી રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવી હતી.
આ બનાવ પશ્ચિમ રેલવેના ભાવનગર સેક્શનમાં સોમવારે બન્યો હતો. આ અંગે રેલવેના અધિકારીએ કહ્યું હતું કે ગૂડસ ટ્રેનના લોકો પાઈલટ મુકેશ કુમાર મીણાની પીપાવાવ પોર્ટ સ્ટેશનથી સાઈડિંગ સુધી ગૂડ્સ ટ્રેનની ડ્યૂટીમાં હતો. આ વખતે મુકેશ કુમારે દસેક સાવજને રેલવે ટ્રેક પર આરામ કરતા જોયા હતા. રેલવેના પાટા પર સાવજની ફોજ આખી આરામ કરતા જોઈને ટ્રેનને બ્રેક મારીને તાત્કાલિક રોકી હતી.જોકે, સૌથી મહત્ત્વની વાત એ હતી કે જ્યાં સુધી ટ્રેક પરથી સાવજ ગયા નહીં ત્યાં સુધી ટ્રેનને ઓપરેટ કરી નહોતી. સિંહ જ્યારે ઊઠીને ચાલ્યા ગયા પછી ટ્રેનને હંકારી હતી. ટ્રેનના ગાર્ડ અને લોકો પાઈલટની ચતુરાઈપૂર્વકની કામગીરીને કારણે રેલવેના જ નહીં, વાઈલ્ડ લાઈફ પ્રેમીઓનું દિલ જીતી લીધું હતું અને આ વાતની જાણ પછી લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી હતી.
આ અંગે રેલવેએ પણ એક જાહેરાત કરતા જણાવ્યું હતું કે એશિયાઈ સાવજ સહિત વન્યજીવોની સુરક્ષા માટે ભાવનગર ડિવિઝન નિરંતર પ્રયાસ કરી રહ્યું છે. અહીં એ જણાવવાનું કે ભાવનગર સેક્શનમાં દર વર્ષે અનેક સિંહ સાથે અન્ય વન્ય પ્રાણીઓ ટ્રેન અકસ્માતનો ભોગ બને છે, જેમાં અનેકના મોત પણ થાય છે. સંવેદનશીલ વિસ્તારમાં રેલવે અને વન વિભાગ દ્વારા સંયુક્તપણે ફેન્સિંગ બાંધવામાં આવે છે, જેથી જાનવરની રક્ષા થઈ શકે છે. આમ છતાં વધતા અકસ્માતોને રેલવેની ઊંઘ હરામ કરી છે.
ટ્રેનની ટક્કરમાં એશિયાઈ સિંહોના થનારા મોતને રોકવા માટે ગુજરાત સરકાર અને રેલવેની ગુજરાત હાઈ કોર્ટે ઝાટકણી કાઢી હતી અને એના અંગે નક્કર પગલા ભરવાના પણ નિર્દેશ આપ્યા છે. જૂન, 2020 સુધી સિંહની સંખ્યાની ગણતરી પ્રમાણે ગુજરાતમાં 674 જેટલા એશિયાઈ સિંહ છે.