બંગાળમાં ટ્રેન અકસ્માતઃ એક ટ્રેક પર 2 ટ્રેન કઈ રીતે આમનેસામને ટકરાય?
ભારતીય રેલવે બુલેટ ટ્રેનના યુગમાં પગલા પાડવા તત્પર બની છે ત્યારે વધતા અકસ્માતો રેલવેની સ્પીડ યુગમાં એન્ટરી માટે રેડ સિગ્નલ સમાન છે. ઓડિશાના ટ્રેન અકસ્માત પછી બંગાળમાં સોમવારે ભીષણ અકસ્માત સર્જાયો, જેમાં 15નાં મોત અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતની પેટર્ન કંઈક (બાલાસોર જેવો) વિચિત્ર હતી. પશ્ચિમ બંગાળ અને બિહારની સરહદ નજીક આજે ભીષણ ટ્રેન અકસ્માત થયો, જેમાં રેલવે પણ ચોંકી ગઈ કે એક જ ટ્રેક પર બે ટ્રેન કઈ રીતે ટકરાઈ. અકસ્માતની વાત કરીએ તો સિયાલદાહ જનારી કંચનજંગા એક્સપ્રેસ (13174)ને ગૂડ્સ ટ્રેને ટક્કર મારી. આ ટક્કર એટલી ભીષણ હતી કે કંચનજંગા ટ્રેનના ત્રણ કોચ રેલવેના પાટા પરથી ખડી પડ્યા હતા. આ અકસ્માત રંગા પાની અને નિજ બાડી વચ્ચે સર્જાયો અને તેમાં ત્રણ કોચને ભયંકર નુકસાન થયું હતું. અકસ્માતમાં 15 લોકોના મોત થવાની સાથે ઈજાગ્રસ્તને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં મૃતકના પરિવારને 15 લાખનું વળતર આપવા સાથે રેલવેએ ઉચ્ચ સ્તરીય ધોરણે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ અકસ્માતના સ્થળે પહોંચીને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ બનાવની સમીક્ષા કરી હતી.
#WATCH | West Bengal: Railways Minister Ashwini Vaishnaw to shortly visit the Kanchenjunga Express train accident site in Darjeeling district. pic.twitter.com/wmAti3z2MV
— ANI (@ANI) June 17, 2024
આ અકસ્માત પછી રેલવેની સિસ્ટમ પર સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે. કોની ભૂલને કારણે અકસ્માત થયો તેમ જ કયા કારણસર એક જ ટ્રેક પર ટ્રેન આવી એના સવાલો ઊભા થયા છે. એક જ ટ્રેક પર બે ટ્રેનને આવતી રોકવા માટે રેલવેમાં એક સિસ્ટમ છે, જેમાં કોઈ ભૂલને કારણે આ પ્રકારના ગંભીર અકસ્માતો સર્જાય છે.
રેલવેમાં દરેક ટ્રેન અને રુટના હિસાબથી ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ પ્રમાણે સેટ કરવામાં આવેલી છે, જેથી દરેક ટ્રેન અલગ ટ્રેક પર હોય છે અને અકસ્માતની શક્યતા નથી, પરંતુ એક જ ટ્રેક પર બે ટ્રેનની ટક્કર માટે કાં તો સિગ્નલમાં ફોલ્ટ અથવા ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ ચેન્જ કરવામાં કોઈ ભૂલનું પરિબળ જવાબદાર છે.
કંટ્રોલ રુમ મારફત એક ટ્રેનના રુટ નક્કી કર્યા છે. બે પાટાની વચ્ચે એક સ્વિચ હોય છે, જેની મદદથી બંને પાટાને એકબીજા સાથે જોડવામાં આવે છે. જ્યારે ટ્રેનના ટ્રેક બદલવાના હોય ત્યારે કંટ્રોલ રુમમાં બેઠેલા કર્મચારીને કમાન્ડ મળ્યા પછી પાટા પર રાખવામાં આવેલા બંને સ્વિચની ટ્રેનની મૂવમેન્ટને રાઈટ અને લેફ્ટ બાજુ કરવામાં આવે છે અને પાટા ચેન્જ થાય છે. આમ છતાં ક્યારેક ટેક્નિકલ કારણ અથવા માનવીય ભૂલને કારણે ટ્રેક ચેન્જ થઈ શકતા નથી અને ટ્રેન નિયત કરેલા રુટના બદલે અલગ રુટમાં જાય છે. એનું પરિણામ એ આવે છે કે એ જ ટ્રેક પરની ટ્રેન સાથે ટકરાય છે.
