સિક્કિમમાં વરસાદ બન્યો વેરી: 9ના મોત, હજારો સ્થાનિક અને વિદેશી પર્યટકો ફસાયા..
ગંગટોકઃ ઉત્તર ભારતમાં ઉત્તરાખંડમાં બદરીનાથ-રુદ્રપ્રયાગ હાઈ-વે પર ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબકતા એક ડઝનથી વધુ લોકોના મોતના અહેવાલ સાથે નોર્થ ઈસ્ટમાં સિક્કિમમાં ભારે વરસાદને કારણે મોટી જાનહાનિના સમાચાર જાણવા મળ્યા છે. આજે સિક્કિમના મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમાંગે વરસાદ અને ભૂસ્ખલનની વિવિધ ઘટનાઓમાં નવ લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી આપી હતી અને તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. તમાંગે કેન્દ્ર સરકારને પણ આ કુદરતી આફત વિશે માહિતી આપી હતી.
સિક્કિમના મુખ્ય પ્રધાન તમાંગ સિંહે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મંગનમાં છ લોકોના મૃત્યુ થયા છે અને મજુઆમાં ભૂસ્ખલનને કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા છે અને અનેક લોકોને ઈજા પહોંચી છે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં કેટલાક ઘરોને નુકસાન પણ પહોંચ્યું છે. અત્યાર સુધીમાં 67 પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ વ્યાપક નુકસાન વિશે કેન્દ્ર સરકારને પણ જાણ કરીને તાત્કાલિક નાણાંકીય સહાય કરવાની વિનંતી પણ કરી છે.
રસ્તાઓ બંધ થઈ જવાને કારણે ખાદ્યપદાર્થો અને વસ્તુઓની કિંમતોમાં વૃદ્ધિ થઈ રહી છે. આ બાબતને સરકાર ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને કેન્દ્ર સરકાર પાસે આર્થિક સહાય માંગી છે. સરકાર દ્વારા મૃતકોના પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સિક્કિમમાં છેલ્લાં કેટલાક દિવસથી પડી રહેલાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે ભારે નુકસાન થયું છે. કેટલાય રસ્તાઓ તૂટી ગયા છે અને કેટલાય રસ્તા નદીમાં વહી ગયા છે. મંગન જિલ્લામાં રસ્તા બંધ થવાને કારણે લાંચુંગમાં 1200થી વધુ સ્થાનિક અને 15 વિદેશી પર્યટકો ફસાઈ ગયા છે. પૂર્વ સિક્કિમમાં દિક્ચુમાં પણ રસ્તા બંધ પડ્યા છે, નુકસાન થયું છે.
શુક્રવારે મુખ્ય પ્રધાન તમાંગે રાજ્યમાં વર્તમાન મુસીબતમાંથી બહાર આવવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં પરિસ્થિતિ પર બારીકાઈથી ધ્યાન આપીને કનેક્ટિવિટી અને બચાવ કાર્યમાં વેગ લાવવાનો આદેશ આપ્યો હતો. સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી તમાંગ સિંહ બીજી વખત મુખ્ય પ્રધાન બન્યા છે. ચૂંટણીના પરિણામો પછી નવી સરકાર માટે નવી આફતો આવી પડી છે, જેને હેન્ડલ કરવાની બાબત સરકાર માટે પડકાર છે.