હેં, જયપુરના વેપારીએ 300 રૂપિયાની જ્વેલરી વિદેશી મહિલાને 6 કરોડમાં પધરાવી, અને…
દેશની રાજધાની દિલ્હીને ઠગો કા શહેર તરીકે ઓળખવામાં આવે છે પણ હાલ તો રાજસ્થાનના જયપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે જયપુરમાં એક અમેરિકન મહિલાને દુકાનદારે રૂપિયા 300ની જ્વેલરી પૂરા 6 કરોડ રૂપિયામાં વેચી મારી હતી. મહિલાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ તેણે પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં જ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી હતી, પરંતુ હજી સુધી છેતરપિંડી કરનાર વેપારી સુધી પહોંચી શકી નથી.
ઘટના વિશે વિસ્તારથી વાત કરવાની થાય તો અમેરિકાથી ભારત આવેલી મહિલા સાથે જયપુરના એક વેપારીએ પૂરા 6 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યું હતું. જયપુરના એક વેપારીએ 300 રૂપિયાની નકલી જ્વેલરીને 6 કરોડ રૂપિયામાં મહિલાને વેચી મારી હતી. એટલું જ નહીં પણ તેણે આ મહિલાને સાથે એક સર્ટિફિકેટ પણ આપ્યું હતું.
સૂત્રો પાસેછી મળેલી જાણકારી અનુસાર અમેરિકન મહિલા જયપુરથી જ્વેલરી ખરીદતી હતી અને અમેરિકામાં તે આ જ્વેલરીનો બિઝનેસ કરતી હતી. 2022માં આ અમેરિકન મહિલાની ઓળખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ગૌરવ સોની સાથે થઈ હતી અને ત્યાર બાદ બે વર્ષમાં આ વિદેશી મહિલાએ ગૌરવ પાસેથી આશરે 6 કરોડ રૂપિયાના ઘરેણાની ખરીદી કરી હતી.
પરંતુ અચાનક જ એપ્રિલ મહિનામાં આ મહિલાને જાણ થઈ કે તેને આપવામાં આવેલી જ્વેલરી બનાવટી છે અને તે જયપુર આવીને ગૌરવને મળી પરંતુ ગૌરવે મહિલાને ધમકી આપીને ત્યાઁથી પાછી મોકલી દીધી હતી. એટલું જ નહીં પણ ગૌરવે આ અમેરિકન મહિલા સામે ખોટી ફરિયાદ પણ કરી હતી.
આખરે આ અમેરિક મહિલાએ US એમ્બેસીમાં જઈને તેની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ કરી હતી અને ત્યાર બાદ જયપુરના વેપારીના સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તેમણે બનાવટી સર્ટીફિકેટ આપનાર નંદકિશોરની ધરપકડ કરી લીધી છે. જ્યારે ગૌરવ સોનીના નામના વેપારી સામે લુક આઉટ નોટિસ જાહેર કરી દીધી છે.
જયપુર પોલીસ બંને બાપ-દીકરાને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે. પોલીસને એવી બાતમી પણ મળી છે કે આરોપીએ હાલમાં જ ત્રણ કરોડ રૂપિયાનો એક ફ્લેટ પણ ખરીદ્યો છે.