July 1, 2025
મુંબઈ

રવિવારે મેઘરાજાએ મુંબઈ સહિત રાજ્યમાં મારી Shandaar Entry…

Spread the love

મુંબઈ: જૂન મહિનાનું પહેલું અઠવાડિયું પૂરું થઈ ગયું હોવા છતાં પણ વરસાદ ના પડતાં મુંબઈગરા ઉકળાટથી હેરાન પરેશાન થઈ ગયા હતા, પણ રવિવારની સવાર મુંબઈગરા માટે સુખદ અનુભવ લઈને આવી હતી. રવિવારની સવારથી જ શહેર અને ઉપનગરોમાં વરસાદના ઝાપટા પડતા મુંબઈગરાએ રાહતનો શ્વાસ લીધો હતો. લાંબા સમયથી વાતાવરણમાં ઉકળાટને બદલે ઠંડકનો અહેસાસ થયો હતો.


હવામાન ખાતા દ્વારા 9મી કે 10મી જૂનના રાજ્ય તેમ જ મુંબઈમાં ચોમાસુ બેસશે એવી આગાહી કરવામાં આવી હતી. રવિવારની સવારથી જ વસઈ, વિરાર, અંધેરી, દહિંસર, બોરીવલી, વિલેપાર્લે, વિક્રોલી, ઘાટકોપર, મુલુંડ, થાણા, કલ્યાણ, ડોમ્બિવલી સહિતના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ હતી. દરમિયાન હવામાન ખાતા દ્વારા આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. નાગરિકોએ જો જરૂર હોય તો જ બહાર નીકળવાની અપીલ પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે એટલે કે રવિવારની સાંજે તેમ જ રાતે મુંબઈ અને ઉપનગરોમાં હળવાથી લઈને વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દિવસભરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે, એવું પણ હવામાન ખાતા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું.

રાજ્યની વાત કરીએ તો ગઈકાલ રાતથી જ પુણેમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો જેને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવવાની અને ઝાડ તૂટી પડવાની ઘટનાઓ બની હતી. ઉત્તર કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં વીજળીના કડાકા અને જોરદાર પવન સાથે મધ્યમ વરસાદ પડશે.


કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં મેઘગર્જના સાથે માધ્યમથી મુશળધાર વરસાદ પડવાની આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!