આઠમી જૂનના ત્રીજી વખત વડા પ્રધાનપદના શપથ લેશે નરેન્દ્ર મોદી?
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ બુધવારે 5મી જૂનના 2024ના ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (National Democratic Alliance-NDA)ની બેઠક બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu)ની મુલાકાત લીધી હતી. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નરેન્દ્ર મોદી 8મી જૂનના સતત ત્રીજી વખત વડા પ્રધાનપદના શપથ લઈ શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આઠમી જૂનના શપથ લે એ પહેલાં સાતમી જૂનના એટલે કે શુક્રવારે બપોરે 2.30 વાગ્યે NDA સાંસદોની બેઠક મળશે. આ બેઠકમાં એનડીએ શાસિત રાજ્યોના વિવિધ પક્ષોના મુખ્ય પ્રધાનો, નાયબ મુખ્ય પ્રધાન અને અધ્યક્ષ ઉપસ્થિત રહેશે.
આ બેઠક યોજાવાના બીજા દિવસે એટલે કે 8 જૂનના રોજ નરેન્દ્ર મોદી (Narendra Modi) સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લઈ શકે છે અને આ શપથ ગ્રહણ સમારોહ સાંજે 7થી 8 વાગ્યાની આસપાસ યોજાઈ શકે છે.
Met our valued NDA partners. Ours is an alliance that will further national progress and fulfil regional aspirations. We will serve the 140 crore people of India and work towards building a Viksit Bharat. pic.twitter.com/ENo9b5ye4J
— Narendra Modi (@narendramodi) June 5, 2024
રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ વખતની નવી સરકારનો ચહેરામાં પરિવર્તન જોવા મળી શકે છે કારણ કે 2014 બાદ પહેલી જ વખત ભાજપ 272ના મેજિકલ ફિગરને ટચ નથી કરી શકી. આ જ કારણોસર ભાજપે આ વખતે સરકાર બનાવવા માટે એનડીએમાં સામેલ અન્ય પક્ષો પર આધાર રાખવો પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે લોકસભાની 2024ની ચૂંટણીમાં 240 બેઠકો પણ જીત હાંસિલ કરી છે. જ્યારે એનડીએમાં સામેલ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ને 16 અને જેડીયુ 12 તેમ જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાને 7 અને ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ને 5 બેઠકો પર જીત મળી છે અને સરકારની રચનામાં આ તમામ પક્ષો મહત્ત્વની ભૂમિકા ભજવશે.
