Election Result: મધ્ય પ્રદેશની ઈન્દોર બેઠકે બનાવ્યો નવો રેકોર્ડ
લોકસભાની ચૂંટણીના પરિણામો જોરદાર રીતે સત્તાધારી પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળની એનડીએની આગેકૂચ પર બ્રેક મારવાના પરિણામો વચ્ચે મધ્ય પ્રદેશના ગઢમાં ગાબડા પડવાના સંકેતો છે, ત્યારે મધ્ય પ્રદેશની ઈન્દોર બેઠકે આ વખતની ચૂંટણીમાં નવો રેકોર્ડ નોંધાવ્યો છે.
ઈન્દોરમાં ભાજપના શંકર લાલવાણી, બસપના સંજય સોલંકી અને જનહિત પાર્ટીના અભય જૈનની વચ્ચે મુકાબલો હતો. પણ અહીંની બેઠક પર નોટા(None of the above-NOTA)એ રેકોર્ડ નોંધાવ્યો છે.
નોટાના 61,850 વોટ ગયા છે, જ્યારે ભાજપના શંકર લાલવાણીને અત્યાર સુધીમાં 3,75,796 મત મળ્યા છે, જ્યારે બંને હરીફ ઉમેદવાર સંજય સોલંકીને 15,723 અને અભય જૈનને 2,148 મત મળ્યા છે. આમ છતાં આ બંને ઉમેદવારની તુલનામાં નોટાના પક્ષમાં વધુ મત ગયા છે.
અલબત્ત, આ વખતે ઈન્દોરે નોટાની દૃષ્ટિએ રેકોર્ડ નોંધાવ્યો છે. નોટાને 60,000થી વધુ મત મળ્યા છે. મત ગણતરી ચાલુ રહ્યા પછી નોટાના મત એક લાખથી પાર થયા હતા, જ્યારે ભાજપના ઉમેદવારે પણ મોટી લીડ મેળવી લીધી હતી. આ અગાઉ નોટાના સૌથી વધુ મતનો રેકોર્ડ બિહારના ગોપાલગંજના નામે હતો. 2019માં ગોપાલગંજમાં 51,660 વોટ પડ્યા હતા, જ્યારે આ વખતે ઈન્દોરમાં રેકોર્ડ નોંધાયો છે.
ઈન્દોરના નહેરુ સ્ટેડિયમની સામે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જીત માટે ભાજપ તરફથી જોરદાર તૈયારીઓ કરવામાં આવી હતી. અહીંની સીટ પર કોંગ્રેસના કોઈ ઉમેદવારને ઊભા રાખવામાં આવ્યા નહોતા, તેથી ભાજપને અહીંથી સૌથી મોટી જીત મળવાની અપેક્ષા હતી. આ અગાઉ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પણ દાવો કરી ચૂક્યા હતા અહીંની બેઠક પરથી નોટાનો રેકોર્ડ બનશે. અહીંયા જે પ્રકારે ભાજપે કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણીની બહાર રાખવામાં આવ્યા હતા, તેથી તેના વિરોધ રુપે લોકો નોટા કરે એવી પ્રતિક્રિયા આપી હતી.
ઉલ્લેખનીય છે કે ગયા વખતે શંકર લાલવાણી ઈન્દોરની બેઠક પરથી 5.47 લાખ મતથી જીત્યા હતા. આ વખતે મોટા માર્જિનથી જીત થાય એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
