Salman Khan Firing Case: આરોપીનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો…
મુંબઈ: સલમાન ખાન ફાયરિંગ કેસ (Salman Khan Firing Case)માં હવે ચોંકાવનારી માહિતી સામે આવી છે. સલમાન ખાનને જાનથી મારી નાખવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને આ પ્રકરણે ધરપકડ કરાયેલા આરોપી ધનંજય તપેસિંહ ઉર્ફે અજય કશ્યપનો એક ચોંકાવનારો વોટ્સએપ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં અજય કશ્યપ કોઈ સાથે વાત કરતો જોવા મળે છે અને તે આગળ આ વીડિયોમાં શૂટર ભાડે લીધા હોવાની જાણકારી આપી રહ્યો છે. વીડિયોમાં કશ્યપ બીજા પણ અનેક ચોંકાવનારા ખુલાસા કરતો જોવા મળે છે.
બોલીવુડ એકટર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ ખાતે ગોળીબાર કરવાના કેસમાં વધુ એક ધરપકડ કરી છે. દીપક હવાસિંહ ગોવાલિયા ઉર્ફે જોની વાલ્મિકીની હરિયાણાથી ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણે કરાયેલી આ પાંચમી ધરપકડ છે, એવું પોલીસે વધુમાં જણાવ્યું હતું.
જોની વાલ્મિકીને બહારથી આવનારા આરોપીઓની રહેવાની ખાવા- પીવાની સગવડ તેમ જ તેમના માટે વાહનોની વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. વીડિયોના માધ્યમથી જ જોની આ ષડયંત્રમાં સામેલ અન્ય આરોપીઓના સંપર્કમાં હતો એ વાત સાબિત થઈ ગઈ હતી.
એક્ટર સલમાન ખાન (Actor Salman Khan)ની હત્યાનું કાવતરું મુંબઈ પોલીસે ઉઘાડું પાડ્યું હતું અને લોરેન્સ બિશનોઈ ગેંગ દ્વારા આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. સલમાન ખાનના ઘર પર ગોળીબાર કરતા પહેલાં બિશનોઈ ગેંગ દ્વારા પ્લાન બી પણ તૈયાર રાખવામાં આવ્યું હતું. સલમાન જ્યારે તેના પનવેલ ખાતેના ફાર્મ હાઉસ પર હતો ત્યારે જ તેના પર હુમલો કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું અને એ માટે પાકિસ્તાનથી શસ્ત્ર પણ મંગાવવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે આ આખા ષડયંત્રમાં 17 જણની સંડોવણી હોવાનું કહેવાય છે જેમાંથી 4 જણની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે વધુમાં જણાવ્યું હતું.
