કોલ્હાપુરની જેલમાં મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપીની હત્યા
મુંબઈઃ 1993માં થયેલા મુંબઈ બોમ્બ બ્લાસ્ટના એક આરોપીની જેલમાં હત્યા કરવાથી જેલ પ્રશાસન હરકતમાં આવી ગયુ છે. કોલ્હાપુરની કલાંબા સેન્ટ્રલ જેલમાં એક આરોપી પર પાંચ કેદીએ હુમલો કર્યો હતો, જેમાં આરોપીનું મોત થયું હતું. મૃતક દોષી આરોપીનું નામ મહોમ્મદ અલી ખાન ઉર્ફે મનોજ કુમાર ભવરલાલ ગુપ્તા હતું.
જેલના બાથરુમમાં ન્હાવા મુદ્દે અન્ય કેદી સાથે વિવાદ થયો હતો, ત્યારબાદ પાંચ કેદીએ તેના પર હિંસક હુમલો કર્યો હતો. પ્રાથમિક અહેવાલ અનુસાર મુન્ના ઉર્ફે મહોમ્મદ અલી ખાન પર અન્ય કેદીએ હુમલો કર્યો હતો. ગટરનું ઢાંકણુ કેદીના માથામાં પર મારવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પીડિતના માથામાં હુમલો કરવાથી જમીન પર ફસડી પડેલો જોવા મળ્યો હતો. પોલીસે એ કેદીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો ત્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મુન્નાને 2013માં કલંમ્બા જેલમાં લાવવામાં આવ્યો હતો. 14 વર્ષની જેલની સજા પૂરી કરી હતી, જ્યારે એના અગાઉ 2007માં સુપ્રીમ કોર્ટે તેમની સજા વધારીને આજીવન કારાવાસની સજા આપી હતી.
હુમલાખોરોની ઓળખ પ્રતીક ઉર્ફે પિલ્યા સુરેશ પાટીલ, દીપક નેતાજી ખોત, સંદીપ શંકર ચવ્હાણ, ઋતુરાજ વિનાયક ઈનામદાર અને સૌરભ વિકાસ તરીકે કરવામાં આવી છે. કોલ્હાપુર પોલીસે પાંચેયની સામે હત્યાનો કેસ નોંધ્યો છે.
જેલના ડીઆઈજી સ્વાતિ સાઠેએ કહ્યું કે હુમલા પાછળનો ઉદ્દેશ હજુ સુધી જાણવા મળ્યો નથી. પ્રાથમિક તપાસમાં હુમલાખોરો અને દોષી-આરોપી મુન્ના વચ્ચે લાંબા સમયથી દુશ્મનાવટ હતી. હુમલાખોરની ગેંગમાં બોમ્બે બોમ્બ બ્લાસ્ટના ચાર દોષી આરોપી છે. સુરક્ષા માટે અન્ય કેદીથી અલગ કરવામાં આવશે તેમ જ જરુર પડી તો અન્ય જેલમાં ખસેડવામાં આવશે.
મનોજ ગુપ્તા 1993ના બોમ્બ ધડાકાના કેસનો દોષી હતો અને જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો હતો. મુંબઈમાં થયેલા બોમ્બ ધડાકા માટે આરડીએક્સ અને હથિયાર લેન્ડિંગ સહિત અન્ય આરોપ મનોજ પર હતા. મુંબઈમાં 12 માર્ચ 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં 257 લોકોનાં મોત થયા હતા, જ્યારે 1,000થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.
