આ કારણે હૈદરાબાદથી ઈન્દોર જઈ રહેલી ફ્લાઈટનું ભોપાલમાં કરાયું ઈમર્જન્સી લેન્ડિંગ…
આ કારણે હૈદરાબાદથી ઈન્દોર જઈ રહેલી ફ્લાઈટનું ભોપાલમાં કરાયું ઈમર્જન્સી લેન્ડિંગ..
ઈન્દોરઃ બંગાળની ખાડીમાં આવેલા રેમલ તોફાનની અસર મધ્ય પ્રદેશમાં પણ જોવા મળી રહી છે અને એને કારણે રાજ્યમાં અનેક ઠેકાણે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને એની અસર હવાઈ સેવા પર પણ જોવા મળી રહી છે. ભોપાલના રાજા ભોજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કેટલીક ફ્લાઈટ્સનું ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.
મળી રહેલી માહિતી પ્રમાણે પશ્ચિમ બંગાળમાંથી ઉદભવેલા વાવાઝોડાની મધ્યપ્રદેશના ઈન્દોર પર સૌથી વધુ અસર જોવા મળી હતી અને રવિવારે આ વાવાઝોડાની અસરને કારણે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ખરાબ હવામાનને કારણે ઈન્ડિગોની હૈદરાબાદ ફ્લાઈટનું પણ રવિવારે ભોપાલના રાજાભોજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ હૈદરાબાદથી ઈન્દોર જઈ રહી હતી. પરંતુ ખરાબ હવામાનને કારણે તેને ભોપાલ ડાયવર્ટ કરવામાં આવી હતી.
આ અંગે માહિતી આપતા એરપોર્ટના ડિરેક્ટર રામજી અવસ્થીએ જણાવ્યું હતું કે ઈન્દોર એરપોર્ટ પર અચાનક જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો જેને કારણે હૈદરાબાદથી ઈન્દોર આવતી ફ્લાઈટને ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.
IMD ભોપાલના હવામાનશાસ્ત્રી વેદ પ્રકાશ સિંહના જણાવ્યા અનુસાર, રાજ્યના ઘણા ભાગોમાં તોફાનની અસર જોવા મળી હતી. આ કારણે જોરદાર પવન ઈન્દોર તરફ વળ્યા હશે. જેના કારણે ટ્રાફિક કંટ્રોલરે ખરાબ હવામાનને કારણે પ્લેનને ઈન્દોરમાં લેન્ડ કરવાની પરવાનગી આપી ન હતી. આ જ કારણ હતું કે પ્લેનને ડાયવર્ટ કરીને ભોપાલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાતી તોફાન રામલ રવિવારે રાત્રે 10 વાગ્યે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પહોંચી ગયું હતું. રેમલે દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ શરૂ કર્યું, જે મોડી રાત સુધી ચાલુ રહ્યું. પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. કોલકાતામાં ભારે વરસાદ પડી રહ્યો છે. પવનની ગતિ ઝડપી છે. કોલકાતાથી હવાઈ મુસાફરી 21 કલાક માટે બંધ કરી દેવામાં આવી હતી અને આશરે 394 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી રહી છે.