ખબરદાર જો એસી લોકલમાં વિના ટિકિટ પ્રવાસ કર્યો છે તો… આ છે રેલવેનો એક્શન પ્લાન…
મુંબઈ: રેલવે દ્વારા દોડાવવામાં આવતી એક લોકલમાં ટિકીટ વિના પ્રવાસ કરનાર પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે એસી લોકલમાં ટિકિટ કે પાસ લઈને ચઢનારા પ્રવાસીઓને મુશ્કેલી તેમ જ ભીડનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી રહેલી રહેલી ફરિયાદને પગલે મધ્ય રેલવેની ટાસ્ક ફોર્સ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મધ્ય રેલવેની એસી ટાસ્ક ફોર્સ દ્વારા આ રીતે ગેરકાયદે રીતે એસી લોકલમાં પ્રવાસ કરનાર પ્રવાસીઓની ફરિયાદ કરવા માટે વિશેષ હેલ્પલાઈનની સુવિધા આપવામાં આવશે. આ વોટસએપ કમ્પ્લેઈન્ટ નંબર પર માત્ર મેસેજ મોકલી શકાશે. રેલવે દ્વારા આ ફરિયાદનો નિવેડો લાવવા માટે સ્પેશિયલ ટીમ પણ બનાવવામાં આવી છે. પ્રવાસીઓ હવે ટિકિટ વિના પ્રવાસ કરનારા પ્રવાસીઓને ફરિયાદ રેલવે દ્વારા આપવામાં આવેલા 7208819987 નંબર પર વોટ્સએપ પર કરી શકશે.
રેલવે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જો પ્રવાસીઓની ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ નહીં કરવામાં આવે તો બીજા દિવસે સિવિલ ડ્રેસમાં કોચ પર વોચ રાખીને કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલાં જ બનેલી એક ઘટનામાં એસી ટ્રેનમાં પ્રવાસ કરનારી એક મહિલા પ્રવાસી ટીસીને બચકું ભરીને ભાગી ગઈ હોવાની ધટના બની હતી. પશ્ચિમ રેલવેના ચર્ચગેટ-વિરાર લોકલમાં આ ઘટના બની હતી. આ પ્રકરણે વસઈ પોલીસ સ્ટેશનમાં આરોપી મહિલા સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત પશ્ચિમ રેલવે પર રાતે આઠ વાગ્યા બાદ ટીસી ના હોવાને કારણે વિના ટિકિટ પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેને કારણે પશ્ચિમ રેલવે પર એક સ્પેશિયલ ટિકિટ ચેકિંગ ટીમ તૈયાર કરવામાં આવી છે અને આ ટીમને બેટમેન સ્ક્વોડ એવું નામ આપવામાં આવ્યું છે. આ ટીમ ખુદાબક્ષ પ્રવાસીઓ પર કાર્યવાહી કરીને તેમની પાસેથી દંડ વસૂલે છે.