ખાસ શાહી પરિવાર માટે ઉગાડવામાં આવી હતી આ કેરી, એક નંગની કિંમત સાંભળશો તો ઉડી જશે હોંશ…
હાલમાં તો ફળોના રાજા ગણાતી કેરીની સિઝન પૂરબહારમાં ખીલી ઉઠી છે ત્યારે આજે અમે અહીં તમને એક એવા ‘આમ’ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે બિલકુલ પણ આમ નથી. જી હા આ ખાસ કેરી માત્રને માત્ર શાહી પરિવાર માટે જ ઉગાડવામાં આવતી હતી. એટલું જ નહીં પણ આ કેરીના એક નંગની કિંમત સાંભળશો તો તમે પણ ચોંકી ઉઠશો. આવો જોઈએ કઈ છે આ કેરી, તેને કઈ રીતે બનાવવામાં આવી હતી અને આખરે કેમ એની કિંમત આટલી વધારે રહેતી હતી…
આ કેરીનું નામ છે કોહિતુર કેરી અને આ કેરીનો અનોખો રંગ અને અનોખી બનાવટ જ તેને એકદમ દુર્લભ બનાવે છે. એવું કહેવાય છે 18મી સદીમાં કૃષિ ક્ષેત્રના નિષ્ણાત હકીમ અદા મોહમ્મદી દ્વારા ખાસ નવાબ સિરાજ ઉદ દૌલા માટે આ કેરી ઉગાડવામાં આવી હતી. મૂળ શાહી પરિવાર પૂરતી મર્યાદિત આ કેરી વિલુપ્ત થઈ ચૂકેલી કલોપહાર અને બીજી એક સામાન્ય કેરીની કલમને મિક્સ કરીને ઉગાડવામાં આવી હતી.

બંગાળના મુર્શિદાબાદમાં ઉગાડવામાં આવતી આ કોહીતુર કેરીના એક નંગની કિંમત 3000થી લઈને 12,000 રૂપિયાની વચ્ચે હોય છે અને આ કેરીને ભારતની સૌથી મોંઘી કેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેરીને તેનો રંગ અને તેની બનાવટ જ અન્ય કેરીઓ કરતાં અલગ બનાવે છે. જોકે, વર્તમાન સમયમાં રાજા રજવાડા પણ નેસ્તનાબૂદ થઈ ગયા છે અને આ જ હવે આ કોહિતુર કેરીનું ઉત્પાદન પણ ખૂબ જ ઓછું કરી દેવામાં આવ્યું છે.
ભારતની મોંઘીદાટ અને ખાસ શાહી પરિવાર માટે ઉગાડવામાં આવતી કેરી વિશે તો જાણી લીધું અને ચોક્ક્સ જ આ માહિતીથી તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થઈ હશે. ખેર, આપણે તો મહારાષ્ટ્રના હાપુસ અને ગુજરાતથી આવતી કેસર કેરીનો સ્વાદ માણીને જ ખુશ થઈ જઈએ છીએ પણ શું તમને એ વાત ખબર છે કે મેરા ભારત મહાન 1000થી વધુ જાતની કેરીનું પિયર ગણાય છે.

જોકે, આ બધી જાતની કેરીના સ્વાદ ચાખવાનું તો થોડું અઘરું જ છે પણ તમે અત્યાર સુધીમા કેટલી જાતની કેરીઓનો સ્વાદ ચાખ્યો છે એ અમને ચોક્ક્સ લખી જણાવજો…