July 1, 2025
ટોપ ન્યુઝબિઝનેસમનોરંજનમહારાષ્ટ્ર

લોકસભા ચૂંટણીઃ મુંબઈમાં મતદાન માટે ઉમટી પડ્યા બોલીવુડના કલાકારો, સેલિબ્રિટીઝ

Spread the love

મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં 49 બેઠક પર આજે મતદાન સવારે સાત વાગ્યાથી શરુ થયું. મુંબઈની છ સહિત એમએમઆર રિજનની ચાર બેઠક સહિત મહારાષ્ટ્રમાં કૂલ 13 બેઠક પર સાંજના છ વાગ્યા સુધી મતદાન ચાલશે.આ વખતે 49 બેઠક પર 8.95 કરોડ જેટલા મતદાર પોતાની ફરજ બજાવશે. મુંબઈમાં સવારથી મોટી સંખ્યામાં લોકોએ મતદાન કરવા નીકળી પડ્યા હતા, જ્યારે અંધેરી-બાંદ્રા સહિત અન્ય વિસ્તારોમાં સેલિબ્રિટીઝ અને બોલીવુડના કલાકારો ઉમટી પડ્યા હતા.
બોલીવુડના જાણીતા અભિનેતા અને તાજેતરમાં ભારતનું નાગરિકત્વ મેળવનારા અક્ષય કુમારે સૌથી પહેલા મતદાન કર્યાની ચર્ચા હતી. અક્ષય કુમારે મતદાન કર્યા પછી મીડિયાને કહ્યું હતું કે હું ઈચ્છું છું કે ભારત વિકસિત અને મજબૂત બને અને એટલા માટે મેં મતદાન કર્યું છે. કેનેડાનું નાગરિકપદ છોડીને અક્ષય કુમારે 2023માં ભારતનું નાગરિકત્વ લીધું હતું.


દરમિયાન શ્રીદેવીની દીકરી જાહન્વી કપૂરે પણ સૌથી પહેલા મતદાન કરીને લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. ઉપરાંત, ફરહાન અખ્તાર સહિત શાહિદ કપૂર સહિત અન્ય કલાકારોએ મતદાન કર્યું હતું.
જાણીતા રાજકારણીમાં લખનઊની બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, રાયબરેલીથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સહિત અન્ય પ્રધાનોએ મતદાન કરીને મતદારોને તેમની ફરજ બજાવવાની અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ લોકોને સત્તાધારી પાર્ટીની નીતિથી વાકેફ કરીને ભારતના વિકાસ માટે મત કરવાની ભલામણ કરી હતી.
મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પરિવાર સાથે થાણેમાં મતદાન કર્યું હતું. દરમિયાન મુંબઈમાં કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલે મુંબઈમાં મતદાન કર્યું હતું તેમની સાથે આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે મતદાન કર્યું હતું. જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણી પણ લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું હતું અને લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.

લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાનમાં આ વખતે હોટ સીટ અમેઠી, રાયબરેલી, લખનઊ, હાજીપુર સહિત મુંબઈની તમામ સીટનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ઉપનગરમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) સામે શિવસેના (એકનાથ શિંદે જૂથ) છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!