સ્વાતિ સંગ્રામઃ માલીવાલના કેસમાં અંતે કેજરીવાલના પીએની અટક
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન નજીક છે, જ્યારે દિલ્હીની સાત બેઠકનો પણ સમાવેશ થાય છે ત્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન પર્સનલ આસિસ્ટંટ (Delhi CM’s PA) દ્વારા રાજ્યસભાનાં સાંસદ સ્વાતિ માલીવાલ સાથે કથિત ગેરવર્તણૂકના કિસ્સામાં આજે દિલ્હી પોલીસે વિભવ કુમારની અટક કરી છે.
સ્વાતિ માલીવાલની ફરિયાદ પછી દિલ્હી પોલીસે કાર્યવાહી કરી છે. એફઆઈઆર નોંધાવ્યા પછી દિલ્હી પોલીસ તેની શોધમાં હતી. આ કાર્યવાહી વચ્ચે આમ આદમી પાર્ટીનાં નેતા અને પ્રધાન આતિશીએ સ્વાતિ માલીવાલના દાવા ફગાવી નાખ્યા હતા. ભાજપના ષડયંત્રના આરોપ વચ્ચે વિભવ કુમારે ગઈકાલે સ્વાતિ માલીવાલ વિરુદ્ધ ક્રોસ કમ્પલેન કરી હતી.
વિભવ કુમારની સ્વાતિ માલીવાલ સામેની ફરિયાદમાં જણાવ્યું છે કે સ્વાતિ માલીવાલ દ્વારા ઉકસાવવાની સાથે ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દિલ્હી મહિલા પંચની પૂર્વ પ્રમુખ સ્વાતિ માલીવાલ 13મી મેના દિલ્હીના મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનમાં બળજબરીપૂર્વક અને ગેરકાયદે ઘૂસીને ધમાલ કરવાની સાથે તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
આમ આદમી પાર્ટીએ આપેલી પ્રતિક્રિયા બાદ સ્વાતી માલીવાલે પાર્ટીની નિષ્ઠા પર સવાલો કર્યા હતા. અગાઉ સ્વાતી માલીવાલે સીએમ હાઉસમાં તેના પર વિભવ કુમાર દ્વારા મારપીટ કરવાને કારણે ઈજા પહોંચી હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ સ્વાતિના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા પછી ઈજા પહોંચી હોવાનું પુરવાર થયું છે.
દિલ્હીની એમ્સના જયપ્રકાશ નારાયણ એપેક્સ ટ્રોમા સેન્ટરમાં માલીવાલના મેડિકલ ટેસ્ટ કરવામાં વ્યો હતો, જેમાં તેના પગ અને આંખમાં ઈજા પહોંચવાની સાથે શરીરના ચાર ભાગમાં ઈજા પહોંચી હોવાનું જણાવાયું હતું.
દરમિયાન વિભવ કુમારના વકીલે કહ્યું હતું કે અત્યાર સુધીમાં પોલીસ તરફથી કોઈ જાણકારી મળી નથી. આ કેસમાં અમને એક ઈમેલ મોકલી છે તથા પોલીસને સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસને મળેલી ફરિયાદ અનુસાર શુક્રવારે ક્રાઈમ સીન રિક્રિયેટ કર્યો હતો, જ્યારે તેની સાથે એફએસએલની ટીમની સાથે દિલ્હી પોલીસ ટીમના અધિકારીઓ પણ સામેલ હતા.